<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

રાજપાલ યાદવને જેલભેગા થવાનો આદેશ: દિલ્હી હાઈકોર્ટે ફટકારી ફટકાર, કાલે સાંજ સુધીમાં કરવું પડશે સરેન્ડર

ચેક બાઉન્સ કેસમાં અભિનેતાની દલીલો ફેલ: કોર્ટે કહ્યું- "ન્યાયિક પ્રક્રિયા સાથે રમત સહન કરવામાં નહીં આવે"

નવી દિલ્હી: બોલિવૂડના જાણીતા અભિનેતા રાજપાલ યાદવ માટે મુશ્કેલીઓના વાદળો ઘેરાયા છે. દિલ્હી હાઈકોર્ટે એક જૂના ચેક બાઉન્સ કેસમાં કડક વલણ અપનાવતા રાજપાલ યાદવને આવતીકાલે એટલે કે 4 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગ્યા સુધીમાં જેલ સત્તાવાળાઓ સમક્ષ શરણાગતિ (Surrender) સ્વીકારવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ અવલોકન કર્યું કે કોર્ટને વારંવાર ખાતરી આપ્યા છતાં રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેવું એ ન્યાયતંત્રનું અપમાન છે.

શું છે આખો મામલો?

આ વિવાદ વર્ષ 2010થી ચાલી રહ્યો છે. રાજપાલ યાદવે પોતાની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ 'આતા પતા લપતા' બનાવવા માટે દિલ્હીની એક ખાનગી કંપની પાસેથી આશરે ₹5 કરોડની લોન લીધી હતી. ફિલ્મ ફ્લોપ રહી અને ત્યારબાદ લોન પરત કરવામાં વિલંબ થતો ગયો. આ દરમિયાન આપવામાં આવેલા અનેક ચેક બાઉન્સ થયા, જેના કારણે કંપનીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો.

વચન આપીને ફરી જવું પડ્યું ભારે:

જૂન 2024માં હાઈકોર્ટે રાજપાલ યાદવની સજા પર સ્ટે આપ્યો હતો અને મામલો મધ્યસ્થી (Mediation) માટે મોકલ્યો હતો. તે સમયે અભિનેતાએ ₹2.5 કરોડ ચૂકવવાનું વચન આપ્યું હતું, પરંતુ એક પણ હપ્તો જમા કરાવ્યો નહીં. જાન્યુઆરી 2026માં કોર્ટે અંતિમ તક આપી હોવા છતાં કોઈ રકમ જમા ન થતા, હવે કોર્ટે આકરો નિર્ણય સંભળાવ્યો છે.

આગામી સુનાવણી 5 ફેબ્રુઆરીએ:

રાજપાલ યાદવે ડ્રાફ્ટમાં ટાઈપિંગની ભૂલ હોવાની દલીલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. હવે જો રાજપાલ યાદવ કાલે સાંજ સુધીમાં સરેન્ડર નહીં કરે, તો તેમની ધરપકડ થઈ શકે છે. આ કેસની આગામી સુનાવણી 5 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે. બોલિવૂડમાં અનેક લોકોને હસાવનાર આ અભિનેતા અત્યારે પોતે ગંભીર કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે.

(6:15 PM IST)