<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

અદાણી અને લિયોનાર્ડો વચ્ચે મેગા ડીલ: કુખ્યાત 'અગસ્તાવેસ્ટલેન્ડ' હવે નવા અવતારમાં ભારતમાં હેલિકોપ્ટર બનાવશે

VVIP કૌભાંડના ડાઘ ભૂસીને ઇટાલિયન કંપનીનું ભારતમાં કમબેક; આગામી દાયકામાં 1,000 હેલિકોપ્ટરની માંગ પૂરી કરવાનો લક્ષ્ય

નવી દિલ્હી : ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં એક સમયે 'બ્લેકલિસ્ટ' થયેલી કંપની હવે અદાણી ગ્રુપના સહારે ફરી એન્ટ્રી કરી રહી છે. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ઇટાલિયન કંપની લિયોનાર્ડો (અગાઉની અગસ્તાવેસ્ટલેન્ડ) સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ સમજૂતી અંતર્ગત ભારતમાં અત્યાધુનિક લશ્કરી હેલિકોપ્ટરોનું ઉત્પાદન કરવામાં આવશે, જે દેશની સશસ્ત્ર દળોની વધતી જતી જરૂરિયાતોને સંતોષશે અને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને વેગ આપશે.

વિવાદોથી વિકાસ સુધીની સફર:

વર્ષ 2010માં અગસ્તાવેસ્ટલેન્ડ VVIP હેલિકોપ્ટર કૌભાંડ ગાજ્યું હતું, જેમાં ભારતના ટોચના નેતાઓ માટે ખરીદાયેલા હેલિકોપ્ટરમાં લાંચના આક્ષેપો થયા હતા. 2014માં ભારત સરકારે આ કંપનીને બ્લેકલિસ્ટ કરી હતી. જોકે, 2016માં કંપનીએ પોતાનું નામ બદલીને 'લિયોનાર્ડો' રાખ્યું અને પાંચ વર્ષ પહેલા સરકારે તેને કેટલીક શરતો સાથે ક્લીનચીટ આપી હતી. હવે, આ ભાગીદારી દ્વારા લિયોનાર્ડોના AW169M અને AW109 TrekkerM હેલિકોપ્ટર ભારતમાં જ તૈયાર થશે.

શા માટે આ ભાગીદારી મહત્વની છે?

ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળને આગામી વર્ષોમાં આશરે 1,000 થી વધુ હેલિકોપ્ટરની જરૂર છે. હાલના કાફલાના ઘણા હેલિકોપ્ટર 1960 અને 90ના દાયકાના છે, જે હવે જૂના થઈ ગયા છે.

  • સૈનિકોની લાઈફલાઈન: ઊંચાઈવાળા વિસ્તારોમાં લોજિસ્ટિક્સ અને સર્વેલન્સ માટે 300થી વધુ હળવા હેલિકોપ્ટરની જરૂર છે.
  • દરિયાઈ સુરક્ષા: સબમરીન વિરોધી યુદ્ધ અને નૌકાદળની મદદ માટે 90 જેટલા મલ્ટી-રોલ હેલિકોપ્ટરની જરૂરિયાત છે.
  • નાગરિક ક્ષેત્ર: ભારત પાસે હાલ માત્ર 250 નાગરિક હેલિકોપ્ટર છે, જે વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ખૂબ ઓછા છે.

 

અદાણીનું મોટું વિઝન:

અદાણી ડિફેન્સના સીઈઓ આશિષ રાજવંશીએ જણાવ્યું હતું કે, આ ભાગીદારી ભારતને હેલિકોપ્ટર ઉત્પાદનનું વૈશ્વિક હબ બનાવશે. માત્ર ઉત્પાદન જ નહીં, પણ તેની જાળવણી (MRO) અને પાઇલટ તાલીમની સુવિધાઓ પણ ભારતમાં જ ઉભી કરવામાં આવશે. આ તરફ, એરબસ અને ટાટાની ભાગીદારીમાં પણ 2027 સુધીમાં પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' હેલિકોપ્ટર લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

(7:22 PM IST)