News of Tuesday, 3rd February 2026
ડિજિટલ પેમેન્ટમાં ભારતનો ડંકો: ₹230 લાખ કરોડના વ્યવહારો સાથે UPI બન્યું ગ્લોબલ સુપરસ્ટાર
ભૂટાનથી ફ્રાન્સ અને સિંગાપોર સુધી હવે ભારતીય QR કોડની બોલબાલા: વિશ્વના કુલ રીઅલ-ટાઇમ ટ્રાન્ઝેક્શનમાં ભારતનો હિસ્સો 49 ટકાએ પહોંચ્યો: નાણા મંત્રાલયે સંસદમાં આપી મોટી વિગતો

નવી દિલ્હી: ભારત આજે માત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરનાર દેશ નથી રહ્યો, પરંતુ તે વિશ્વને નવી રાહ ચીંધનાર ‘ડિજિટલ પાવરહાઉસ’ બની ગયું છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતીયોએ UPI દ્વારા ₹230 લાખ કરોડના વ્યવહારો કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. સંસદમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ ગૌરવ સાથે જણાવ્યું કે, વર્ષ 2022-23માં જે આંકડો ₹139 લાખ કરોડ હતો, તે આજે આકાશી ઊંચાઈએ પહોંચી ગયો છે. આ માત્ર આંકડા નથી, પરંતુ ભારતના સામાન્ય માણસની ડિજિટલ સ્વીકાર્યતા અને દેશના મજબૂત બેન્કિંગ માળખાની જીત છે. આજે શાકભાજીની લારીથી લઈને શોરૂમ સુધી, UPI એ રોકડની જરૂરિયાતને ન્યૂનતમ કરી દીધી છે.
વિશ્વભરમાં ભારતનું આ ‘યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ’ હવે દેશની સરહદો ઓળંગી ચૂક્યું છે. હાલમાં ફ્રાન્સ, UAE, સિંગાપોર, શ્રીલંકા, મોરેશિયસ, નેપાળ, ભૂટાન અને કતાર જેવા આઠ દેશોમાં UPI મારફતે ચલણ રૂપાંતર સાથે પેમેન્ટ કરવું શક્ય બન્યું છે. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) એ પણ સ્વીકાર્યું છે કે UPI એ વિશ્વની સૌથી મોટી રિટેલ ફાસ્ટ-પેમેન્ટ સિસ્ટમ છે. જે ઝડપથી ભારતીય પ્રવાસીઓ હવે વિદેશમાં પણ ગૂગલ પે કે ફોન પે દ્વારા પેમેન્ટ કરી રહ્યા છે, તે જોતા ભારતની સોફ્ટ પાવર આખા વિશ્વમાં પ્રસ્થાપિત થઈ રહી છે.
ભારત સરકાર અને RBI હવે આ નેટવર્કને વધુ વ્યાપક બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) દ્વારા અન્ય દેશોની ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાણ કરવામાં આવી રહ્યું છે, જેથી વિદેશમાં રહેતા ભારતીયો સરળતાથી રેમિટન્સ (પૈસા) મોકલી શકે અને પ્રવાસીઓને કરન્સી એક્સચેન્જની ઝંઝટમાંથી મુક્તિ મળે. ACI વર્લ્ડવાઇડના અહેવાલ મુજબ, વિશ્વના કુલ રીઅલ-ટાઇમ ટ્રાન્ઝેક્શનમાં ભારત 49 ટકા હિસ્સો ધરાવે છે, જેનો અર્થ એ છે કે વિશ્વના અડધા ડિજિટલ વ્યવહારો એકલા ભારતમાં થાય છે.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
