<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

ભારત પર મંડરાતું કેન્સરનું જોખમ: ૨૦૪૫ સુધીમાં વાર્ષિક ૨૫ લાખ નવા કેસ નોંધાવાની આશંકા

સારવાર પાછળ લાખો ખર્ચવા કરતા નિવારણ જ શ્રેષ્ઠ ઉપાય : બજેટ ૨૦૨૬-૨૭માં કેન્સરની દવાઓ સસ્તી થયા બાદ હવે વહેલા નિદાન પર ભાર મૂકવા આરોગ્ય નિષ્ણાતોની હાકલ

નવી દિલ્હી:  ભારતમાં કેન્સર એક ભયાનક સ્વાસ્થ્ય કટોકટીનું રૂપ ધારણ કરી રહ્યું છે. એક ચોંકાવનારા અહેવાલ મુજબ, આગામી ૨૦૪૫ સુધીમાં દેશમાં દર વર્ષે કેન્સરના નવા દર્દીઓની સંખ્યા ૨.૪૫ મિલિયન (૨૪.૫ લાખ) ને વટાવી શકે છે. ઇન્ડિયન કેન્સર સોસાયટી (ICS) એ ચેતવણી આપી છે કે જો આપણે માત્ર હોસ્પિટલો અને મોંઘી સારવાર પર જ નિર્ભર રહીશું, તો આ બોજ અસહ્ય બની જશે. હાલમાં વર્ષે ૧.૫ મિલિયન કેસ નોંધાઈ રહ્યા છે, જેની સામે ૨૦૪૫ સુધીનો અંદાજ ભવિષ્યની ગંભીર સ્થિતિ તરફ ઈશારો કરે છે. આથી જ, હવે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વ્યૂહરચનામાં 'સારવાર નહીં પણ નિવારણ' ને કેન્દ્રસ્થાને રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે.

કેન્દ્ર સરકાર દ્વારા બજેટ ૨૦૨૬-૨૭ માં કેન્સરની કેટલીક જીવનરક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરીને દર્દીઓને મોટી રાહત આપી છે. જોકે, સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે દવાઓ સસ્તી કરવી એ સિક્કાની એક જ બાજુ છે. વાસ્તવિક પડકાર એ છે કે દર્દીઓ મોડા સ્ટેજમાં હોસ્પિટલ પહોંચે છે, જ્યાં સારવારનો ખર્ચ અને જોખમ બંને વધી જાય છે. ફોર્ટિસ હોસ્પિટલના ઓન્કોલોજી ડિરેક્ટર ડૉ. નિતેશ રોહતગીએ જણાવ્યું કે નવી ડાયગ્નોસ્ટિક ટેકનોલોજી અને વહેલા સ્ટેજમાં સ્ક્રીનિંગ કરવાથી માત્ર જીવ જ નથી બચતો, પરંતુ સારવારનો ખર્ચ પણ અનેકગણો ઘટી જાય છે.

દેશમાં હાલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર નબળી સ્ક્રીનિંગ સિસ્ટમ અને વિશ્વસનીય કેન્સર ડેટાનો અભાવ એ સૌથી મોટી ખામી છે. નીતિ આયોગના ભૂતપૂર્વ ડિરેક્ટર અને કેન્સર સર્વાઈવર ડૉ. ઉર્વશી પ્રસાદે પણ પ્રાદેશિક અસમાનતાઓ અને ગરીબ વર્ગ સુધી તપાસની સુવિધાઓ ન પહોંચતી હોવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. જ્યારે કેન્સર પ્રારંભિક તબક્કે પકડાય છે, ત્યારે તેની સફળતાનો દર ૯૦ ટકાથી વધુ હોય છે. આથી, સમાજમાં વ્યાપેલી ખોટી માન્યતાઓ દૂર કરી નિયમિત હેલ્થ ચેકઅપ અને વૈજ્ઞાનિક માહિતી લોકો સુધી પહોંચાડવી એ જ હવે એકમાત્ર અસરકારક હથિયાર છે.

(10:21 PM IST)