<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

રાજકોટ મહાનગરપાલિકામાં એડવાન્‍સ મિલકત વેરો ભરનારને ૧૦ થી પ ટકા વળતરઃ મહિલા મિલકત ધારકોને વધારાના પ%

ઓનલાઇન વેરો ભરનારને વધારાનો ૧% અને રૂ. પ૦ બાદ મળશે

રાજકોટ, તા.૪: મ્‍યુ. કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ  આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૦૨૭માં પણ એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર પ્રમાણીક કરદાતાઓ માટે ૧૦ ટકા અને ૫ ટકા વળતર યોજના શરૂ કરવામાં આવશે. જયારે ઓનલાઇન વેરો ભરનાર કરદાતાઓને વધુ ૧ ટકા અને રૂ. ૫૦ નું વધુ વળતર મળશે. આ વર્ષની અર્લી બર્ડ ડીસ્‍કાઉન્‍ટ સ્‍કીમમાં ડીજીટલ પેમેન્‍ટને વધુ લાભ આપવાની જોગવાઇ કરવામાં આવેલ છે.

જેમાં મે -૨૦૨૬ સુધી રાજકોટ મહાનગરપાલિકાની મોબાઇલ એપ અથવા વેબસાઇટ પરથી પેમેન્‍ટ કરવામાં આવે તો ૧૧ ડીસ્‍કાઉન્‍ટ અને તે સિવાય અન્‍ય વ્‍યવસ્‍થા મારફત ચુકવણું થાય તો ૧૦% ડીસ્‍કાઉન્‍ટ આપવાની જોગવાઇ કરવામાં આવી છે, તે રીતે જુન -૨૦૨૬ માં રાજકોટ મહાનગરપાલિકાની મોબાઇલ એપ અથવા વેબસાઇટ પરથી પેમેન્‍ટ કરવામાં આવે તો ૬% ડીસ્‍કાઉન્‍ટ અને તે સિવાય અન્‍ય વ્‍યવસ્‍થા મારફત ચુકવણું થાય તો ૫% ડીસ્‍કાઉન્‍ટ આપવાની જોગવાઇ કરવામાં આવી છે . આ ઉપરાંત ગત વર્ષની જેમ મહિલાઓના નામે મિલ્‍કત હોય તેઓને વધારાનું ૫% વળતર આપવાની દરખાસ્‍ત છે .

જયારે ભારત સરકાર દ્વારા કાળા નાંણાને ડામવા સમગ્ર દેશમાં રોકડ લેવડ - દેવડની જગ્‍યાએ કેશલેસ / ઈલેકટ્રોનિક લેવડદેવડને પ્રોત્‍સાહિત કરવાના પ્રયત્‍નો શરૂ કરવામાં આવેલ છે આ બાબતમા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ મિલકત ધારકોને ઇન્‍ટરનેટના માધ્‍યમથી કે કોઇપણ પ્રકારના ડીજીટલ ટ્રાન્‍જેકશનથી વેરો ભરવા આગામી વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે રકમના ૧% વળતર ( ઓછામાં ઓછુ ૫૦ રૂપિયા વધુમાં વધુ ૨૫૦ રૂપિયા ) આપવા દરખાસ્‍ત છે.

 

(2:15 PM IST)