<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

રાજકોટ શહેરમાં ઇ-મેડીકેર તથા પ્રાકૃતિક કૃષિ હાટ

શહેરીજનોનું સ્‍વાસ્‍થ્‍ય જાળવવા મ્‍યુ. કમિશનર દ્વારા રજુ થયેલ ડ્રાફટ બજેટમાં બે નવીન યોજનાનો સમાવેશ : તમામ આરોગ્‍ય કેન્‍દ્રનું કોમ્‍પ્‍યુટરાઇઝેશન કરી દર્દીઓના ડેટા એક સીસ્‍ટમમાં ઉપલબ્‍ધ બનશેઃ પુષ્‍કરધામ મેઇન રોડના હોકર્સ ઝોનમાં ખેડૂતો સીધા ઉત્‍પાદનો વેચવા આવશે

રાજકોટ, તા. ૪: શહેરીજનોનું સ્‍વાસ્‍થ્‍ય જાળવવા મનપાના ડ્રાફટ બજેટમાં બે યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. જેમાં ઇ-મેડીકેર તથા પ્રાકૃતિક કૃષિ હાટનું નિર્માણ કરવા સૂચન કરવામાં આવ્‍યું છે.

ઇ-મેડીકેર

વર્ષ ૨૦૨૬-૨૦૨૭ માં રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ આરોગ્‍ય કેન્‍દ્રોનું કોમ્‍પ્‍યુટરાઈઝેશન કરવામાં આવશે જે અંતર્ગત તમામ આરોગ્‍ય કેન્‍દ્રોના દર્દીઓનો ડેટા એક જ સિસ્‍ટમમાં ઉપલબ્‍ધ રહેશે. દર્દીઓની મેડીકલ હિસ્‍ટરી ઉપલબ્‍ધ હોવાથી સારવાર ઝડપથી મળી શકશે. આ ઉપરાંત ડેન્‍ગ્‍યુ, મેલેરિયા જેવી બીમારીઓનું અસરકારક મોનિટરિંગ થઈ શકશે. આ પ્રોજેક્‍ટ માટે રકમ રૂ. ૫ લાખનો ખર્ચ થવાનો અંદાજ છે.

પ્રાકૃતિક કૃષિ હાટ

શહેરના વોર્ડ નં.-૧૦, પુસ્‍કરઘામ મેઈન રોડ પર આવેલ હોકર્સ ઝોન ખાતે પ્રાકળતિક ખેતી કરતાં ખેડૂતોને તેમના ઉત્‍પાદન સીધા ગ્રાહકોને વેચી શકે અને નાગરિકોને શુદ્ધ, આરોગ્‍યપ્રદ તથા ઓર્ગેનિક શાકભાજી એક જ સ્‍થળે સુવ્‍યવસ્‍થિત રીતે ઉપલબ્‍ધ કરાવવા સૂચન કરાયું છે.

ઉક્‍ત સ્‍થળે હાલ ડોમની સુવિધા ઉપલબ્‍ધ છે તેમજ ફલોરિંગ તરીકે પેવિંગ બ્‍લોક લગાડવામાં આવેલ છે. આ વિસ્‍તારમાં અંદાજિત ૪૦ નંગ આધુનિક ઓર્ગેનિક શાકભાજી સ્‍ટોલ સ્‍થાપિત કરવાની યોજના છે. દરેક સ્‍ટોલનું માપ ૨.૫ મીટર × ૧.૮૦ મીટર રહેશે. સ્‍ટોલનું ડિઝાઇન એકસરખું તથા આધુનિક રાખવામાં આવશે જેથી સમગ્ર વિસ્‍તાર સુવ્‍યવસ્‍થિત અને આકર્ષક દેખાય.

આ પ્રોજેક્‍ટ અમલમાં આવવાથી શહેરના નાગરિકોને શહેરમાં એક ખાસ, સુવ્‍યવસ્‍થિત અને આધુનિક ઓર્ગેનિક માર્કેટની સુવિધા પ્રાપ્ત થશે, જેના કારણે આરોગ્‍યપ્રદ કળષિ ઉત્‍પાદનોની સરળ ઉપલબ્‍ધતા સાથે શહેરના હોકર્સ ઝોનનું સુસંગઠિત વિકાસ થશે. જેનો  અંદાજિત ખર્ચઃ રૂ. ૨૦ લાખ જેટલો થશે.

(3:30 PM IST)