<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

પુણ્યનું કામ પડ્યું ભારે: સિંગાપોરમાં કબૂતરોને ચણ નાખતા ભારતીય મહિલાને લાખોનો દંડ

વારંવાર સમજાવવા છતાં પક્ષીપ્રેમ ન છૂટ્યો:આખરે કોર્ટે 71 વર્ષીય વૃદ્ધાને 'વન્યજીવન કાયદા' હેઠળ ફટકાર્યો 3,200 ડોલરનો જંગી દંડ; જાણો કેમ સિંગાપોરમાં પક્ષીઓને ખવડાવવું એ ગુનો છે

સિંગાપોર : સિંગાપોરની ગલીઓમાં કબૂતરોને દાણા નાખવા એ ભારતીય મૂળની એક મહિલા માટે 'મોંઘો સોદો' સાબિત થયો છે. 71 વર્ષીય સંમુગનાથન શામાલાને તોઆ પાયોહ હાઉસિંગ એસ્ટેટમાં સતત પક્ષીઓને ખવડાવવા બદલ કોર્ટે 3,200 સિંગાપોર ડોલર (આશરે ₹2.10 લાખથી વધુ) નો દંડ ફટકાર્યો છે. આ કોઈ પહેલીવાર નહોતું, શામાલાએ છ મહિનામાં નવ વખત આ કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. ગત વર્ષે પણ તેને 1,200 ડોલરનો દંડ થયો હતો અને તેણે કોર્ટમાં વચન આપ્યું હતું કે તે ફરી આવું નહીં કરે, પરંતુ પક્ષીઓ પ્રત્યેનો તેમનો લગાવ કાયદાના ડર કરતા વધુ મજબૂત નીકળ્યો.
નેશનલ પાર્ક્સ બોર્ડ ના અધિકારીઓએ કોર્ટમાં પુરાવા તરીકે વિડિયો ફૂટેજ રજૂ કર્યા હતા, જેમાં શામાલા રાત્રિના સમયે પણ છાનામાના કબૂતરોને બ્રેડ અને અનાજ ખવડાવતા જોવા મળ્યા હતા. ફરિયાદીએ દલીલ કરી હતી કે મહિલા જાણીજોઈને કાયદો તોડી રહી છે અને વન્યજીવન બોર્ડની કામગીરીમાં અવરોધ ઊભો કરી રહી છે. શામાલાએ કોર્ટમાં પોતાની બેરોજગારી અને સ્વાસ્થ્ય સમસ્યાઓનો હવાલો આપી દંડ ઓછો કરવા વિનંતી કરી હતી, પરંતુ ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે કાયદો બધા માટે સમાન છે. આખરે, લાંબી દલીલો બાદ મહિલાએ તે જ દિવસે પૂરેપૂરો દંડ ભરવાની તૈયારી દર્શાવી હતી.

સિંગાપોરમાં જંગલી પક્ષીઓને ખવડાવવા પર સખત પ્રતિબંધ છે, જેની પાછળનું કારણ જાહેર આરોગ્ય અને સ્વચ્છતા છે. સત્તાવાળાઓનું માનવું છે કે અનાજ ફેંકવાથી પક્ષીઓની વસ્તી અનિયંત્રિત રીતે વધે છે, જે ગંદકી ફેલાવે છે અને ગંભીર રોગોનું કારણ બની શકે છે. સિંગાપોર જેવા હાઈ-ટેક સિટીમાં વન્યજીવન અને માનવ વસવાટ વચ્ચે સંતુલન જાળવવા માટે આવા કડક પગલાં લેવામાં આવે છે. આ કિસ્સો એવા લોકો માટે ચેતવણી સમાન છે જેઓ વિદેશમાં જઈને સ્થાનિક નાગરિક કાયદાઓને હળવાશથી લેતા હોય છે.

(8:21 PM IST)