News of Wednesday, 4th February 2026
ચૂંટણી પ્રક્રિયામાં 'માસ્ટર પ્લાન': ૨૭ વર્ષ બાદ યોજાશે નેશનલ એસઈસી કોન્ફરન્સ; પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીઓમાં આવશે સુમેળ!
૨૪ ફેબ્રુઆરીએ દિલ્હીમાં દેશભરના ૩૬ રાજ્યોના ચૂંટણી કમિશનરો અને કાનૂની નિષ્ણાતોનું મહામંથન; મતદાર યાદી અને પ્રક્રિયાઓને એકસમાન બનાવવા પર ભાર

નવી દિલ્હી : ભારતના ચૂંટણી પંચ (ECI) અને વિવિધ રાજ્યોના ચૂંટણી પંચો (SECs) વચ્ચે કામગીરીમાં તાલમેલ સાધવા માટે ૨૪ ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં એક રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધપાત્ર છે કે, આવી કોન્ફરન્સ છેલ્લે ૧૯૯૯માં એટલે કે ૨૭ વર્ષ પહેલા યોજાઈ હતી. આ બેઠકમાં તમામ ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાજ્ય ચૂંટણી કમિશનરો તેમના ટેકનિકલ અને કાનૂની નિષ્ણાતો સાથે હાજર રહેશે.
કેમ જરૂરી છે આ સંમેલન?
ભારતના બંધારણ મુજબ, ભારતનું ચૂંટણી પંચ (ECI) લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજે છે, જ્યારે રાજ્ય ચૂંટણી પંચ (SEC) પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ માટે જવાબદાર છે. બંને પંચો સ્વતંત્ર હોવા છતાં, ઘણીવાર મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયાઓમાં વિસંગતતા જોવા મળે છે. આ સંમેલનનો હેતુ બંને સ્તરે ચૂંટણી પ્રક્રિયાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે.
કોણ સંભાળશે અધ્યક્ષપદ?
આ પરિષદનું અધ્યક્ષપદ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સંભાળશે. તેમની સાથે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી પણ ઉપસ્થિત રહેશે. તાજેતરમાં અનેક રાજ્ય ચૂંટણી કમિશનરોએ સીઈસી સાથે મુલાકાત કરીને વધુ સારા સહયોગ માટે આવી રાષ્ટ્રીય પરિષદ યોજવાનું સૂચન કર્યું હતું, જેના પગલે આ નિર્ણય લેવાયો છે.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
