News of Thursday, 5th February 2026
બ્રિટિશ PMને પોતાની જ પસંદગી પર થયો પસ્તાવો: પીટર મેન્ડેલસનની અમેરિકાના રાજદૂત પદેથી હકાલપટ્ટી; સેક્સ અપરાધી સાથેના સંબંધો છુપાવવાનો આરોપ!
જેફરી એપ્સટિન સાથેના સંબંધો વિશે 'વારંવાર ખોટું બોલ્યા' હોવાનો પીએમ કીર સ્ટાર્મરનો ગંભીર આક્ષેપ; પ્રીવી કાઉન્સિલમાંથી પણ નામ હટાવવા રાજા ચાર્લ્સ સહમત

લંડન: બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે બુધવારે બ્રિટિશ સંસદમાં એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું છે કે પીટર મેન્ડેલસનને અમેરિકામાં બ્રિટનના રાજદૂત તરીકે નિયુક્ત કરવાનો તેમનો નિર્ણય ખોટો હતો. સ્ટાર્મરે આક્ષેપ કર્યો હતો કે મેન્ડેલસને કુખ્યાત સેક્સ અપરાધી જેફરી એપ્સટિન સાથેના પોતાના અંગત સંબંધો વિશે સરકારને અંધારામાં રાખી હતી અને નિમણૂકની પ્રક્રિયા દરમિયાન વારંવાર ખોટું બોલ્યા હતા.
માર્કેટની ગુપ્ત માહિતી લીક કરવાનો ગંભીર આરોપ
આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે બ્રિટિશ પોલીસે મેન્ડેલસન વિરુદ્ધ 'જાહેર કાર્યાલયમાં ગેરવર્તણૂક' બદલ તપાસ શરૂ કરી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મેન્ડેલસને એપ્સટિનને બજાર-સંવેદનશીલ (Market-sensitive) ગુપ્ત માહિતી લીક કરી હતી. વડાપ્રધાને ખાતરી આપી છે કે મેન્ડેલસને કઈ રીતે સત્ય છુપાવ્યું તેના તમામ દસ્તાવેજો સંસદ સમક્ષ રજૂ કરવામાં આવશે જેથી જનતા પણ આ છેતરપિંડી જોઈ શકે.
રાજવી પરિવાર સાથેના સંબંધો પર કાતર
આ કૌભાંડની ગંભીરતા એટલી છે કે પીએમ સ્ટાર્મર અને બ્રિટનના રાજા ચાર્લ્સ વચ્ચે પણ આ મુદ્દે ચર્ચા થઈ છે. મેન્ડેલસનને રાજાના ઔપચારિક સલાહકારોના જૂથ એટલે કે 'પ્રીવી કાઉન્સિલ'માંથી પણ દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું કે મેન્ડેલસનની હરકતોએ આ પ્રતિષ્ઠિત પદની ગરિમાને કલંકિત કરી છે, તેથી તેમને હવે કોઈ પણ મહત્વના પદ પર રાખવા યોગ્ય નથી.
(9:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
