News of Thursday, 5th February 2026
વૉશિંગ્ટન પોસ્ટમાં ઐતિહાસિક છટણી: કોંગી સાંસદ શશિ થરૂરના પુત્ર ઈશાન થરૂર સહિત ૧/૩ સ્ટાફની હકાલપટ્ટી
જર્નાલિઝમ અત્યારે તેના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે : ઈશાન તેમની લોકપ્રિય કોલમ 'વર્લ્ડવ્યૂ' માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે: શશિ થરૂરના પુત્ર છે, પરંતુ તેમણે વૈશ્વિક રાજનીતિ અને વિદેશી બાબતોના ઊંડા વિશ્લેષણ દ્વારા પત્રકારત્વના ક્ષેત્રમાં આગવી ઓળખ બનાવી છે: વિશ્વભરના ૫ લાખ સબ્સ્ક્રાઇબર્સ તેમને ફોલો કરે છે

ન્યૂયોર્ક: અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર 'વૉશિંગ્ટન પોસ્ટ' દ્વારા લેવામાં આવેલા એક ચોંકાવનારા નિર્ણયે વૈશ્વિક મીડિયા જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. અખબારે તેના કુલ સ્ટાફમાંથી અંદાજે એક-તૃતિયાંશ એટલે કે ૩૩ ટકા જેટલા કર્મચારીઓની સામૂહિક છટણી કરી છે. આ છટણીમાં ભારતીય કોંગ્રેસના સાંસદ ડૉ. શશિ થરૂરના પુત્ર અને જાણીતા આંતરરાષ્ટ્રીય પત્રકાર ઈશાન થરૂરનો પણ સમાવેશ થાય છે.
કોણ છે ઈશાન થરૂર? ઈશાન થરૂર વૉશિંગ્ટન પોસ્ટમાં સિનિયર ઇન્ટરનેશનલ અફેર્સ કોલમિસ્ટ તરીકે કાર્યરત હતા. ૨૦૧૭માં શરૂ થયેલી તેમની લોકપ્રિય કોલમ 'વર્લ્ડવ્યૂ' માટે તેઓ સમગ્ર વિશ્વમાં જાણીતા છે. જોકે તેઓ ભારતના દિગ્ગજ નેતા શશિ થરૂરના પુત્ર છે, પરંતુ તેમણે વૈશ્વિક રાજનીતિ અને વિદેશી બાબતોના ઊંડા વિશ્લેષણ દ્વારા પત્રકારત્વના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી. તેમની રિપોર્ટિંગને વિશ્વભરના અંદાજે ૫ લાખ જેટલા સબ્સ્ક્રાઇબર્સ તેમને ફોલો કરે છે
.મીડિયા ઉદ્યોગમાં આર્થિક કટોકટીનો સંકેત ? આટલા મોટા પાયે થયેલી છટણી પાછળ જાહેરાતોની ઘટતી આવક અને ડિજિટલ પ્લેટફોર્મ્સ સાથેની સ્પર્ધાને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. વૉશિંગ્ટન પોસ્ટ જેવા મોટા ગજાના અખબાર દ્વારા લેવાયેલો આ નિર્ણય સૂચવે છે કે ગ્લોબલ જર્નાલિઝમ અત્યારે તેના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પણ આ સમાચાર વાયુવેગે પ્રસર્યા છે, જ્યાં પત્રકારો અને વિશ્લેષકો મીડિયાની સ્વતંત્રતા અને ભવિષ્ય પર સવાલો ઉઠાવી રહ્યા છે.
એશિયાનેટ ન્યૂઝના પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટ અનુસાર, આ માત્ર એક સામાન્ય છટણી નથી પરંતુ વૈશ્વિક પત્રકારત્વના બદલાતા સ્વરૂપની આહટ છે. ઈશાન થરૂર જેવા સ્થાપિત પત્રકારની વિદાયથી વાચકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. વૉશિંગ્ટન પોસ્ટના આ પગલાથી અન્ય મોટા મીડિયા હાઉસમાં પણ છટણીના ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
