<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

ટેક્‍સ ઓડિટ રિપોર્ટ એક દિવસ પણ મોડો ભર્યો તો રૂપિયા ૭૫ હજાર લેટ ફી વસૂલાશે

ઇન્‍કમટેક્‍સના નવા નિયમ લાગુ કરવાની સાથે કરદાતાને માથે મોટો બોજ

મુંબઇ તા.૫: ઇન્‍કમટેક્‍સના નિયમમાં સુધારો કરવાના કારણે કરદાતાને માથે મોટો આર્થિક બોજ આવવાનો છે. કારણ કે ટેક્‍સ ઓડિટ રિપોર્ટ ભરવામાં કરદાતાએ એક દિવસ પણ મોડો કર્યો હશે તો તેની પાસેથી ૭૫ હજાર રૂપિયા લેટ ફી વસૂલ કરવામાં આવશે. જોકે નવા નિયમમાં એવો પણ સુધારો કરાયો છે કે હવે પેનલ્‍ટીના બદલે લેટ ફીના નામે કરદાતાના બિસ્‍સા ખંખેરવામાં આવનાર છે.

એક એપ્રિલ ૨૦૨૬થી ઈન્‍કમટેક્‍સના નવા નિયમનો અમલ કરવામાં આવનાર છે. નવા નિયમોના કારણે કરદાતાઓને કેટલાક ફાયદા પણ થવાના છે, પરંતુ તેમાં રિટર્ન મોડું ભરવામાં આવે તો કરદાતાના ખિસ્‍સા ખાલી થવાની શક્‍યતા વધુ રહેલી છે.

કારણ કે એક દિવસ પણ રિટર્ન મોડું ભરવામાં આવે તો તેની પાસેથી ૭૫ હજાર રૂપિયા લેટ ફી વસૂલ કરવામાં આવશે. તેવી જ રીતે બીજા મહિને વધારાના ૭૫ હજાર તે પ્રમાણે જેટલા મહિના ટેક્‍સ ઓડિટ રિપોર્ટ મોડો મરવામાં આવશે તેટલી લેટ ફી વસૂલ કરવામાં આવનાર છે. જેથી નવા નિયમોમાં કરવામાં આવેલા સુધારામાં હાલ તો કરદાતાએ મોટો આર્થિક ફટકો સહન કરવાની સ્‍થિતિ ઊભી થવાની છે. આ અંગે ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ નારાયણ શર્માએ જણાવ્‍યું હતું કે સરકારે નિયમોમાં માત્ર શબ્‍દ બદલીને કરદાતાઓ પર મોટી અસર પાડતી જોગવાઈ લાગુ કરી દીધી છે. હવે પેનલ્‍ટીના બદલે લેટ ફી શબ્‍દ કરી દેવામાં આવ્‍યો છે. જેના કારણે રાહત મળવાની શક્‍યતાઓ ઘણી ઓછી થઈ ગઈ છે.

પહેલા લેટ ફી વસૂલાશે પછી જ રીટર્ન ફાઇલ થશે

નવા નિયમમાં એવો પણ સુધારો કરવામાં આવ્‍યો છે કે આઇટી પોર્ટલ પર ટેક્‍સ ઓડિટ રિપોર્ટ મોડો રજૂ કરવામાં આવે તો સૌથી પહેલા લેટ ફી વસુલ કરવામાં આવશે, ત્‍યારબાદ તે રકમ કરદાતા દ્વારા ભરવામાં આવ્‍યા બાદ જ પોર્ટલ પર રિપોર્ટ અપલોડ થશે. જેથી પોર્ટલ દ્વારા દિવસ પ્રમાણે લેટ ફીની ઓટોમેટીક ગણતરી કરી નાંખશે અને તે પ્રમાણે વસુલાત કરવામાં આવ્‍યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ સિસ્‍ટમ ગોઠવી દેવામાં આવી છે.

(11:58 AM IST)