News of Thursday, 5th February 2026
પુણે-મુંબઈ એક્સપ્રેસવે પર મોટો વિસ્ફોટ ટળ્યો: 32 કલાક સુધી હવામાં રહ્યો મોતના તાંડવનો ખતરો
પ્રોપિલિન ગેસ ભરેલું ટેન્કર પલટી જતાં તંત્રના જીવ અધ્ધર: નિષ્ણાતોની ટીમે જીવના જોખમે ગેસ લીકેજ અટકાવી ભયાનક દુર્ઘટના ટાળી

પુણે, તા.5: પુણે-મુંબઈ એક્સપ્રેસવે પર મંગળવારે રાત્રે સર્જાયેલા એક અકસ્માતે હજારો પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકી દીધા હતા. અડોશી ટનલ પાસે લગભગ 21,000 કિલો અત્યંત જ્વલનશીલ પ્રોપિલિન ગેસ લઈને જતું એક ટેન્કર પલટી ગયું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કરના ત્રણેય વાલ્વ ક્ષતિગ્રસ્ત થયા હતા અને ગેસ લીકેજ શરૂ થઈ ગયો હતો. જો એક નાનકડો તણખો પણ ઝર્યો હોત, તો એક્સપ્રેસવે પર મોટો અગ્નિગોળો સર્જાયો હોત.
પરિસ્થિતિની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક બંને તરફનો ટ્રાફિક રોકી દીધો હતો. ઘટનાસ્થળથી 500 મીટર દૂર સુધી વિસ્ફોટક ગેસનું પ્રમાણ ભયજનક સપાટીએ હતું. થાણેની એક ખાનગી એજન્સીના ટેકનિકલ ડાયરેક્ટર ઝેડ.એન. ગાવડે અને તેમની ટીમે જીવના જોખમે ઓપરેશન શરૂ કર્યું. ગેસનું દબાણ ઘટાડવા માટે ક્ષતિગ્રસ્ત ટેન્કરમાંથી ગેસને બીજા ખાલી ટેન્કરોમાં ટ્રાન્સફર (Decanting) કરવાની અત્યંત જોખમી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
32 કલાકના ઓપરેશન બાદ હાશકારો
આ ઓપરેશન સતત 32 કલાક સુધી ચાલ્યું હતું. NDRF, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમોએ ભારે જહેમત બાદ ટેન્કરને ચાર ક્રેનની મદદથી સીધું કર્યું હતું. આ દરમિયાન એક સમયે ગેસ લીકેજ વધી જતાં વાતાવરણ તંગ બની ગયું હતું, પરંતુ નિષ્ણાતોએ સમયસૂચકતા વાપરી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. અંતે ગુરુવારે વહેલી સવારે 5 વાગ્યે ટેન્કરને સુરક્ષિત રીતે ખલાપુર ટેસ્ટિંગ સ્ટેશન પર પહોંચાડવામાં આવ્યું હતું, ત્યારે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઓપરેશનની મુખ્ય વિગતો:
• ખતરો: 21,000 કિલો હાઈલી ફ્લેમેબલ પ્રોપિલિન ગેસ.
• ટ્રાફિક જામ: અકસ્માતને કારણે હજારો વાહનો અને મુસાફરો 32 કલાક સુધી અટવાયા.
• વ્યૂહરચના: ગેસનું લેવલ 50% થી નીચે લાવીને ટેન્કરને હાઈડ્રોલિક ક્રેન વડે ઉઠાવવામાં આવ્યું.
• ટીમ વર્ક: પોલીસ, NDRF અને ખાનગી એજન્સી વચ્ચેના અદભૂત સંકલનથી હોનારત ટળી.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
