News of Thursday, 5th February 2026
બિહાર ચૂંટણી પર સંકટના વાદળો? પ્રશાંત કિશોર પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, ચૂંટણી રદ કરવાની કરી માંગ
જન સૂરજ પાર્ટીનો ગંભીર આરોપ: ‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’ ના નામે લાખો મહિલાઓને ₹10,000 આપી વોટ ખરીદાયા!

પટણા, તા.5: બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો બાદ હવે રાજકીય જંગ સુપ્રીમ કોર્ટના ઉંબરે પહોંચ્યો છે. પ્રશાંત કિશોરની આગેવાની હેઠળની 'જન સૂરજ પાર્ટી'એ આખી ચૂંટણી પ્રક્રિયાને પડકારતી અરજી સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરી છે. જન સૂરજ પાર્ટીએ માંગ કરી છે કે આ ચૂંટણીને રદ જાહેર કરવામાં આવે અને બિહારમાં ફરીથી નવેસરથી મતદાન કરાવવામાં આવે.
અરજીમાં સરકાર પર અત્યંત ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. પાર્ટીનો દાવો છે કે ચૂંટણી ટાણે 'મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના' હેઠળ આશરે 25 થી 35 લાખ મહિલા મતદારોના ખાતામાં ₹10,000 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જન સૂરજનું કહેવું છે કે આ સીધેસીધી રીતે મતદારોને લાંચ આપવા સમાન છે અને આટલી મોટી સંખ્યામાં થયેલા નાણાકીય વ્યવહારોએ ચૂંટણીના પરિણામો પર મોટી અસર પાડી છે.
આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી
આ મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની ખંડપીઠ આવતીકાલે એટલે કે શુક્રવારે આ હાઈ-પ્રોફાઈલ કેસની સુનાવણી કરશે. કલમ 32 હેઠળ દાખલ કરાયેલી આ અરજીમાં મહિલા રોજગાર યોજનાના નવા લાભાર્થીઓની પસંદગી પ્રક્રિયા સામે પણ પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કરવામાં આવ્યા છે.
મુખ્ય હાઈલાઈટ્સ:
• માંગ: 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી રદ કરી ફરીથી ચૂંટણી યોજવી.
• આરોપ: 35 લાખ મહિલાઓને ગેરકાયદેસર રીતે ₹10,000 ટ્રાન્સફર કર્યા.
• બેન્ચ: CJI સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચી કરશે સુનાવણી.
• તારીખ: આવતીકાલે શુક્રવારે કોર્ટમાં થશે પ્રથમ દલીલો.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
