News of Thursday, 5th February 2026
પ્રેમમાં આંધળી બનેલી પત્નીનો ખતરનાક ખેલ: લગ્નના માત્ર 3 મહિનામાં જ પતિનો ‘કાંટો’ કાઢ્યો
શ્રી ગંગાનગરની અંજુએ પ્રેમી સાથે મળી રચ્યું ખૂની કાવતરું: હત્યાને અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરી, પણ પોલીસની નજરથી ન બચી શકી

શ્રી ગંગાનગર, તા.5: રાજસ્થાનના શ્રી ગંગાનગરમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે માનવ સંબંધો પર સવાલ ઉભા કર્યા છે. અહીં એક નવપરિણીત પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. લગ્નને હજુ માંડ ત્રણ મહિના થયા હતા, ત્યાં જ પત્નીએ પોતાના સુહાગને મિટાવી દેવાનું કાવતરું ઘડી કાઢ્યું. આરોપી પત્નીએ આ હત્યાને રોડ અકસ્માત તરીકે દર્શાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની તીક્ષ્ણ નજરે આ ગુનાનું રહસ્ય ખોલી નાખ્યું છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક આશિષની પત્ની અંજુને લગ્ન પહેલાથી જ અન્ય કોઈ યુવક સાથે પ્રેમ સંબંધ હતો. લગ્ન પછી પણ આ સંબંધ ચાલુ રહ્યો અને આશિષ રસ્તાનો પથ્થર બનતા અંજુએ તેને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો. તેણે પોતાના પ્રેમી અને અન્ય બે સાથીદારોની મદદથી આશિષ પર હુમલો કર્યો અને તેની હત્યા કરી નાખી. ઘટનાને અકસ્માત જેવો દેખાવ આપવા માટે લાશને એવી રીતે ફેંકી હતી કે જાણે કોઈ વાહને તેને ટક્કર મારી હોય.
પોલીસે ગણતરીના કલાકોમાં કર્યો પર્દાફાશ
શરૂઆતમાં આ કેસ હિટ એન્ડ રન જેવો લાગતો હતો, પરંતુ આશિષના શરીર પરના ઘા અને ઘટનાસ્થળની સ્થિતિ જોઈને પોલીસને શંકા ગઈ. ટેકનિકલ સર્વેલન્સ અને કડક પૂછપરછમાં પત્ની ભાંગી પડી અને પોતાનો ગુનો કબૂલી લીધો. પોલીસે હત્યારી પત્ની, તેનો પ્રેમી અને ગુનામાં સાથ આપનાર અન્ય બે શખ્સોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
ઘટનાની ચોંકાવનારી વિગતો:
- લગ્નનો સમય: માત્ર 3 મહિના પહેલા જ થયા હતા લગ્ન.
- ષડયંત્ર: હત્યાને 'રોડ અકસ્માત' સાબિત કરવાનો ફેલ પ્રયાસ.
- ધરપકડ: પત્ની, પ્રેમી અને 2 કોન્ટ્રાક્ટ કિલર (સાથીઓ) પોલીસના સકંજામાં.
- તપાસ: પોલીસે મોબાઈલ લોકેશન અને કોલ ડિટેલ્સના આધારે મિસ્ટ્રી સોલ્વ કરી.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
