News of Thursday, 5th February 2026
મલેશિયા જનારા કામદારો માટે સારા સમાચાર: હવે ‘એજન્ટ’ની માથાકૂટ ખતમ, સીધી ભરતી માટે ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર
ભારેખમ ફી અને મધ્યસ્થીઓના શોષણમાંથી મળશે મુક્તિ: AI ટેકનોલોજીની મદદથી નોકરીદાતા અને કામદાર વચ્ચે થશે સીધો સંવાદ, ‘મોડર્ન સ્લેવરી’ પર લાગશે બ્રેક

કુઆલાલમ્પુર, તા.5: મલેશિયા જઈને કમાણી કરવા માંગતા વિદેશી કામદારો માટે ભારત અને અન્ય દેશોના શ્રમિકો માટે ખુશીના સમાચાર છે. મલેશિયા સરકાર એક એવું ‘ડાયરેક્ટ હાયરિંગ પ્લેટફોર્મ’ લાવી રહી છે જેનાથી હવે નોકરીદાતાઓ કોઈ પણ ત્રીજા પક્ષ કે એજન્ટ વગર સીધી જ ભરતી કરી શકશે. માનવ સંસાધન મંત્રી દાતુક સેરી રમનન રામકૃષ્ણને જણાવ્યું હતું કે, આ નવી સિસ્ટમનો હેતુ કામદારોનું આર્થિક શોષણ ઘટાડવાનો અને ભરતી ખર્ચમાં ધરખમ ઘટાડો કરવાનો છે.
અત્યાર સુધી એજન્ટોના કારણે કામદારોએ મલેશિયા પહોંચવા માટે 5,000 થી 8,000 યુએસ ડોલર જેવી મોટી રકમ ચૂકવવી પડતી હતી, જેના કારણે તેઓ દેવાના ડુંગર નીચે દબાઈ જતા હતા. ઘણીવાર એવું પણ બનતું કે એજન્ટો વચન એક નોકરીનું આપતા અને મલેશિયા પહોંચ્યા પછી કામ બીજું જ મળતું. હવે નવી સિસ્ટમમાં નોકરીદાતા અને કામદાર ફેસ-ટુ-ફેસ વર્ચ્યુઅલ ઈન્ટરવ્યુ કરી શકશે, જેનાથી છેતરપિંડીની શક્યતા નહિવત થઈ જશે.
AI અને રિયલ-ટાઇમ અનુવાદની સુવિધા
આ પ્લેટફોર્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરવામાં આવશે. જો મલેશિયન એમ્પ્લોયર પોતાની ભાષા (બહાસા મલેશિયા) માં વાત કરશે, તો સિસ્ટમ તેને કામદારની માતૃભાષામાં (જેમ કે હિન્દી કે અન્ય ભાષા) તરત જ અનુવાદ કરી દેશે. આનાથી ભાષાનો અવરોધ દૂર થશે અને કામદાર પોતાની રોજગારની શરતો સ્પષ્ટપણે સમજી શકશે.
2028 સુધીમાં એશિયન હબ બનવાનું લક્ષ્ય
મલેશિયા સરકારની યોજના મુજબ, આ સિસ્ટમ આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે. આ પ્રક્રિયામાં 'MyDigital ID' નો ઉપયોગ કરવામાં આવશે, જે કામદારની ઓળખ, પગાર જમા કરાવવો અને વહીવટી કામકાજમાં કેન્દ્રિય ભૂમિકા ભજવશે. મલેશિયા 2028 સુધીમાં આખા એશિયન (ASEAN) વિસ્તારમાં ‘નૈતિક ભરતી કેન્દ્ર’ (Ethical Recruitment Hub) બનવા માંગે છે.
પ્લેટફોર્મની મુખ્ય વિશેષતાઓ:
- ડાયરેક્ટ હાયરિંગ: એજન્ટોની મધ્યસ્થી દૂર થવાથી ભરતી ફીમાં મોટો ઘટાડો થશે.
- AI ટ્રાન્સલેશન: ભાષાની સમસ્યા ઉકેલવા માટે રિયલ-ટાઇમ અનુવાદની સુવિધા.
- પારદર્શિતા: વર્ચ્યુઅલ ઇન્ટરવ્યુ દ્વારા કામની શરતોની અગાઉથી જાણકારી.
- સરકાર-થી-સરકાર (G2G): સંપૂર્ણ સુરક્ષિત અને કાનૂની માળખા હેઠળની પ્રક્રિયા.
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
