News of Thursday, 5th February 2026
ભારતીય લગ્નો હવે વિદેશી ધરતી પર: થાઈલેન્ડના બીચથી ઈટાલીના મહેલો સુધી જામ્યો ‘ડેસ્ટિનેશન વેડિંગ’નો ક્રેઝ
લગ્ન આયોજનમાં હવે ‘ટ્રાવેલ ઇન્શ્યોરન્સ’ અનિવાર્ય: 2025 સુધીમાં વીમાની માંગમાં 27% નો ઉછાળો, મુંબઈ-બેંગલુરુના પરિવારો સૌથી આગળ

રાજકોટ, તા.5: ભારતીય લગ્નો એટલે ભપકો, ભીડ અને પરંપરા. પરંતુ હવે આ ઉજવણીઓ માત્ર ઘરના આંગણે મર્યાદિત નથી રહી. ભારતીય પરિવારો હવે સાત ફેરા લેવા માટે સાત સમુદ્ર પાર કરી રહ્યા છે. તાજેતરના અહેવાલ મુજબ, 2023 થી 2025 દરમિયાન આંતરરાષ્ટ્રીય ડેસ્ટિનેશન વેડિંગના વલણમાં મોટો ઉછાળો આવ્યો છે, જેના કારણે ટ્રાવેલ વીમાની ખરીદીમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.
હવે લગ્નનું લિસ્ટ માત્ર કેટરિંગ અને ડેકોરેશન પૂરતું મર્યાદિત નથી, પણ તેમાં 'ટ્રાવેલ વીમો' એક આવશ્યક ભાગ બની ગયો છે. વિદેશમાં લગ્ન દરમિયાન તબીબી કટોકટી, સામાન ખોવાઈ જવો કે ફ્લાઈટ વિલંબ જેવા જોખમો સામે રક્ષણ મેળવવા માટે ભારતીય પરિવારો હવે જાગૃત થયા છે. ખાસ કરીને નવેમ્બર-ડિસેમ્બરની લગ્નની સીઝનમાં વીમા ખરીદીમાં 30% સુધીનો સ્પાઈક જોવા મળે છે.
પસંદગીના ટોચના સ્થળો
- થાઈલેન્ડ અને યુએઈ: સરળ વિઝા અને નજીક હોવાને કારણે આ દેશો ભારતીયોની પહેલી પસંદ છે.
- વિયેતનામ અને શ્રીલંકા: બજેટ-ફ્રેન્ડલી વિકલ્પો તરીકે ઉભરી રહ્યા છે.
- ઈટાલી અને ગ્રીસ: પ્રીમિયમ અને નાના (Intimate) લગ્ન જૂથો માટે પસંદ કરવામાં આવે છે.
ત્રણ પેઢીઓ સાથે મુસાફરી
આ ડેસ્ટિનેશન લગ્નોની ખાસિયત એ છે કે તેમાં ત્રણ પેઢીઓ સાથે હોય છે. વીમા ખરીદદારોમાં 25-34 વર્ષના યુવાનો (40%), 45-60 વર્ષના માતા-પિતા (35%) અને 60 વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકો (25%) નો સમાવેશ થાય છે. આથી જ, હાઈ-વેલ્યુ સામાન અને પહેલેથી અસ્તિત્વમાં રહેલી બીમારીઓ (Pre-existing diseases) માટેના કવરની માંગ સૌથી વધુ રહે છે.
મુખ્ય આંકડાઓ પર એક નજર:
- વીમા રકમ: મોટાભાગના પ્રવાસીઓ $250,000 (અંદાજે 2 કરોડથી વધુ) નું કવર પસંદ કરે છે.
- શહેરો: મુંબઈ અને બેંગલુરુ લગ્ન માટેની વિદેશી મુસાફરીમાં મોખરે છે, જ્યારે જયપુર અને નોઈડા જેવા શહેરોમાં પણ ક્રેઝ વધી રહ્યો છે.
- ગ્રુપ બુકિંગ: 2024-25 માં ગ્રુપ ઇન્શ્યોરન્સમાં 28% નો ધરખમ વધારો થયો છે.
આજના સમયમાં લગ્ન પ્રવાસીઓ માત્ર ફરવા નથી જતા, પણ તેઓ સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. લગ્ન એ ભાવનાત્મક અને નાણાકીય રીતે મોટું રોકાણ હોવાથી વીમો હવે પ્લાનિંગનો 'મસ્ટ-હેવ' ભાગ છે.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
