News of Thursday, 5th February 2026
અનુરાગ ઠાકુરને રાહત : સુપ્રીમ કોર્ટે 9 વર્ષનો પ્રતિબંધ હટાવતા BCCIમાં વાપસીના દ્વાર ખુલ્યા!
લોઢા સમિતિના વિવાદમાં જે ખુરશી ગુમાવવી પડી હતી, હવે ત્યાં ફરી સત્તારૂઢ થવાનો માર્ગ મોકળો થયો : સુપ્રીમ કોર્ટે 2017ના આકરા આદેશમાં સુધારો કરી ભાજપના કદાવર નેતાને ક્રિકેટ વહીવટમાં સક્રિય થવાની લીલી ઝંડી આપી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ વહીવટના ઈતિહાસમાં એક મોટો વળાંક આવ્યો છે. હિમાચલ પ્રદેશના ભાજપ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર માટે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય વરદાન સાબિત થયો છે. વર્ષ 2017માં જ્યારે લોઢા સમિતિની ભલામણોને લઈને વિવાદ વકર્યો હતો, ત્યારે કોર્ટે ઠાકુરને BCCIના પ્રમુખ પદેથી હટાવી દીધા હતા અને તેમની પ્રવૃત્તિઓ પર રોક લગાવી દીધી હતી. પરંતુ હવે 9 વર્ષના લાંબા ગાળા બાદ, સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે આ પ્રતિબંધ આજીવન હોઈ શકે નહીં. ઠાકુરની બિનશરતી માફી અને આટલા વર્ષોની શિસ્તને ધ્યાને રાખીને કોર્ટે તેમને ફરીથી ક્રિકેટ વહીવટના મેદાનમાં બેટિંગ કરવાની મંજૂરી આપી દીધી છે.
આ કાનૂની રાહત બાદ હવે BCCIની અંદરના સમીકરણો બદલાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોય માલ્યા બાગચીની બેન્ચે સ્પષ્ટ કર્યું કે અનુરાગ ઠાકુર હવે બોર્ડની આંતરિક બેઠકો, વહીવટી નિર્ણયો અને અન્ય પ્રવૃત્તિઓમાં સત્તાવાર રીતે ભાગ લઈ શકશે. નવ વર્ષનો વનવાસ પૂરો કરીને પાછા ફરેલા ઠાકુર માટે આ માત્ર કાનૂની જીત નથી, પરંતુ એક રાજકીય વિજય પણ છે, કારણ કે ક્રિકેટના વહીવટમાં તેમનો દબદબો હંમેશાથી રહ્યો છે. તેમના નેતૃત્વમાં અગાઉ પણ BCCIએ અનેક મોટા આર્થિક અને માળખાગત લક્ષ્યો હાંસલ કર્યા હતા.
ક્રિકેટ જગતમાં આ સમાચાર વાયુવેગે ફેલાઈ રહ્યા છે અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું અનુરાગ ઠાકુર ફરીથી BCCIમાં કોઈ મોટી ભૂમિકા ભજવતા જોવા મળશે? પ્રતિબંધ હટતાની સાથે જ તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે સમયે તત્કાલિન ચીફ જસ્ટિસ ટી.એસ. ઠાકુરની બેન્ચે જે કડક વલણ અપનાવ્યું હતું, તેમાં વર્તમાન બેન્ચે સુધારો કરીને ઠાકુરને 'સેકન્ડ ઇનિંગ' શરૂ કરવાની તક આપી છે. હવે જોવાનું એ રહેશે કે ભારતીય ક્રિકેટના ભવિષ્યના નિર્ણયોમાં અનુરાગ ઠાકુરનો અનુભવ આગામી દિવસોમાં કેવી રીતે કામ લાગે છે.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
