News of Thursday, 5th February 2026
મેઘાલયની 'ડેથ ટ્રેપ'માં વિસ્ફોટ સાથે ખાણ ધસી પડી: 10 શ્રમિકોના કરૂણ મોત : પહાડના કાટમાળ નીચે હજુ પણ અનેક જિંદગીઓ ફસાયેલી
વિસ્ફોટ બાદ ટેકરીનો મોટો ભાગ ધરાશાયી થતા મચી ચીસાચીસ: NDRF અને SDRFનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન શરૂ

શિલોંગ : મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લામાં ગેરકાયદેસર કોલસાની ખાણમાં બનેલી એક ભયાનક દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. મળતી માહિતી મુજબ, ખાણની અંદર ખનન પ્રક્રિયા દરમિયાન એકાએક વિસ્ફોટ થયો હતો, જેના કારણે ઉપરની ટેકરીનો મોટો હિસ્સો નીચે કામ કરી રહેલા શ્રમિકો પર તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 કામદારોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રની ટિમો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, પરંતુ કાટમાળ એટલો મોટો છે કે મૃત્યુઆંક હજુ વધવાની ભીતિ સેવાઈ રહી છે.
પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જોકે પ્રાથમિક અંદાજ મુજબ આ તમામ શ્રમિકો પડોશી રાજ્ય આસામના હોવાનું માનવામાં આવે છે. વિસ્ફોટની તીવ્રતા એટલી ભયાનક હતી કે બચાવકર્મીઓને ખાણની અંદર પ્રવેશવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ અને અગ્નિશામક દળના જવાનો અત્યાધુનિક સાધનો સાથે ખડેપગે છે. આ ઘટનાએ ફરી એકવાર મેઘાલયમાં પ્રતિબંધ હોવા છતાં ધમધમતી ગેરકાયદેસર 'રેટ-હોલ' માઇનિંગ સામે લાલબત્તી ધરી છે, જ્યાં ગરીબ શ્રમિકોને નજીવા પૈસા માટે મોતના મુખમાં ધકેલવામાં આવે છે.
નોંધનીય છે કે આ મહિનામાં જ મેઘાલયમાં ખાણકામ સાથે સંકળાયેલી આ બીજી મોટી દુર્ઘટના છે. અગાઉ 17 જાન્યુઆરીએ પણ આસામના એક શ્રમિકનું રહસ્યમય રીતે મોત થયું હતું, જેની તપાસ હજુ નિવૃત્ત ન્યાયાધીશ બી.પી. કટાકેની સમિતિ કરી રહી છે ત્યાં જ આ દસ જિંદગીઓ હોમાઈ ગઈ છે. કડક કાયદા અને ન્યાયિક તપાસ છતાં ખનીજ માફિયાઓ બેફામ બનીને પ્રકૃતિ અને માનવ જીવન સાથે ખીલવાડ કરી રહ્યા છે. અત્યારે પ્રાથમિકતા કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની છે, ત્યારબાદ આ ગેરકાયદેસર પ્રવૃત્તિના માસ્ટરમાઇન્ડ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
