News of Thursday, 5th February 2026
ગાઝિયાબાદની ત્રણ બહેનોના સામૂહિક આપઘાતનું ‘કોરિયન’ કનેક્શન: ડાયરીમાં મળ્યા ચોંકાવનારા ખુલાસા
2 કરોડનું દેવું, પિતાના બે લગ્ન અને ‘K-Pop’ નો ખતરનાક ક્રેઝ: કોરિયન સંસ્કૃતિના નશામાં ડૂબેલી કિશોરીઓએ પિતાની જિદ સામે બાલ્કનીમાંથી મારી છલાંગ

ગાઝિયાબાદ:ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની ભારત સિટી સોસાયટીમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરનાર ત્રણ સગીર બહેનોના કેસમાં પોલીસને હવે એવી કડીઓ મળી છે જે કોઈ પણ માતા-પિતા માટે ચેતવણીરૂપ છે. આ કેસ માત્ર આત્મહત્યાનો નથી, પણ તે આર્થિક તંગી, કૌટુંબિક વિખવાદ અને ઓનલાઈન ગેમ્સના ભયાનક વ્યસનનું મિશ્રણ છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણેય બહેનો (12 વર્ષની પાખી, 14 વર્ષની પ્રાચી અને 16 વર્ષની વિશિકા) કોરિયન ડ્રામા (K-Drama) અને કોરિયન પોપ (K-Pop) પાછળ પાગલ હતી. તેઓ ભારતીય સંસ્કૃતિને ધિક્કારવા લાગી હતી અને કોરિયા જઈને ત્યાંના છોકરાઓ સાથે લગ્ન કરવાના સપના જોતી હતી. તેમની ડાયરીમાં લખેલી વાતો મુજબ, તેઓ તેમની 4 વર્ષની નાની બહેનને પણ કોરિયન ભાષા અને સંસ્કૃતિ શીખવી રહી હતી, જેનો તેમની માતા વિરોધ કરતી હતી.
છોકરીઓના પિતા ચેતન સ્ટોક માર્કેટના ટ્રેડર છે અને તેમના પર અંદાજે 2 કરોડ રૂપિયાનું દેવું છે. આર્થિક મુસીબત એટલી હતી કે વીજળીનું બિલ ભરવા માટે પિતાએ છોકરીઓના મોબાઈલ ફોન વેચી દીધા હતા. મોબાઈલ છીનવાઈ જવાથી અને પિતા દ્વારા ‘કોરિયન લવ ગેમ’ છોડવા માટે આપવામાં આવેલા દબાણથી ત્રણેય બહેનો ભારે ગુસ્સામાં હતી. સુસાઈડ નોટમાં તેમણે લખ્યું કે, "માફ કરજો પપ્પા, અમે ગેમ છોડી શકતા નથી. હવે તમને ખબર પડશે કે અમને એ ગેમ કેટલી વહાલી હતી."
તપાસમાં એ પણ જાણવા મળ્યું કે પરિવારની સ્થિતિ ઘણી અટપટી હતી. પિતા ચેતને બે લગ્ન કર્યા હતા (બંને પત્નીઓ સગી બહેનો હતી). ઘરમાં પાંચ બાળકો અને બે પત્નીઓ ઉપરાંત એક ‘ભાભી’ની એન્ટ્રી થતા વિવાદ વધ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, ત્રીજી વ્યક્તિના આવ્યા પછી બંને પત્નીઓ ઘર છોડીને ચાલી ગઈ હતી અને તેમના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાયેલી છે. પિતા આ પાંચ બાળકો સાથે ફ્લેટમાં રહેતા હતા.
મંગળવારે રાત્રે લગભગ 2 વાગ્યે, જ્યારે આખી સોસાયટી ઊંઘતી હતી, ત્યારે આ ત્રણેય બહેનોએ એકબીજાના હાથ પકડ્યા અને કોઈ પણ ખચકાટ વગર બાલ્કનીમાંથી નીચે મોતની છલાંગ લગાવી દીધી. આ ઘટનાએ ઓનલાઈન ગેમિંગ અને બાળકો પર સોશિયલ મીડિયાના પ્રભાવ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
તપાસના મુખ્ય મુદ્દાઓ:
K-Pop વ્યસન: છોકરીઓ જમવાનું અને સ્કૂલે જવાનું છોડીને દિવસભર કોરિયન નાટકો જોતી હતી.
આર્થિક તંગી: દેવું ચૂકવવા મોબાઈલ વેચવો એ આપઘાતનું તાત્કાલિક કારણ બન્યું.
કૌટુંબિક વિવાદ: પિતાના બહુવિધ સંબંધો અને માતાઓની ગેરહાજરીએ બાળકોને માનસિક રીતે તોડી નાખ્યા હતા
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
