<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

સંસદમાં ‘હુમલા’ના દાવા પર પ્રિયંકા ગાંધીનો પલટવાર: “વડાપ્રધાન હવે સ્પીકરની પાછળ છુપાઈ રહ્યા છે”

સ્પીકર ઓમ બિરલાના ગંભીર આરોપોને પ્રિયંકાએ ગણાવ્યા ‘સંપૂર્ણ જુઠ્ઠાણું’: પીએમ પર હાથ ઉપાડવાની વાત કલ્પના બહાર, ત્રણ મહિલા સાંસદોથી ડરી ગયા મોદી?

નવી દિલ્હી, તા.5: સંસદના બજેટ સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા અને વિપક્ષના વિરોધ પ્રદર્શનને લઈને એક નવો વિવાદ છેડાયો છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પીએમ મોદીને ગૃહમાં ન આવવાની સલાહ આપી હોવાના નિવેદન પર વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ આકરા પ્રહાર કર્યા છે. પ્રિયંકાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, વડાપ્રધાન પર હુમલો કરવાની વાત તો દૂર, કોઈ તેમના પર હાથ ઉપાડવાનો વિચાર પણ ન કરી શકે.

પ્રિયંકા ગાંધીએ સ્પીકરના દાવાઓને નકારતા કહ્યું કે, "વડાપ્રધાન સ્પીકરની પાછળ છુપાઈ રહ્યા છે. તેમનામાં ગૃહમાં આવીને સામનો કરવાની હિંમત નહોતી, કારણ કે માત્ર ત્રણ મહિલા સાંસદો બેન્ચની સામે ઉભી રહીને વિરોધ કરી રહી હતી. કોઈ પણ સાંસદનો ઈરાદો વડાપ્રધાનને નુકસાન પહોંચાડવાનો હતો જ નહીં, તેથી આવું કહેવું સંપૂર્ણપણે ખોટું અને પાયાવિહોણું છે."

 

સ્પીકર ઓમ બિરલાનો ચોંકાવનારો દાવો

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, "મને માહિતી મળી હતી કે ઘણા કોંગ્રેસ સાંસદો વડાપ્રધાનની ખુરશી પાસે જઈને કોઈ અયોગ્ય ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા. જો આવું થયું હોત તો દેશની લોકશાહી પરંપરા કલંકિત થઈ હોત. એટલે જ મેં પોતે વડાપ્રધાનને વિનંતી કરી હતી કે તેઓ ગૃહમાં ન આવે." સ્પીકરે સલાહ માનવા બદલ પીએમનો આભાર પણ માન્યો હતો.

લોકશાહી માટે અશુભ સંકેત

પ્રિયંકા ગાંધીએ આક્ષેપ કર્યો કે સરકાર જાણીજોઈને વિપક્ષની છબી ખરાબ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે ગૃહના નેતા લોકસભામાં આવીને જવાબ ન આપે તે લોકશાહીની પરંપરા વિરુદ્ધ છે. બીજી તરફ, સ્પીકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિપક્ષના હંગામાને કારણે વડાપ્રધાન પોતાનું વક્તવ્ય ન આપી શકે તે અત્યંત અયોગ્ય બાબત છે.

 

વિવાદના મુખ્ય કેન્દ્રો:

  • સુરક્ષાનો મુદ્દો: સ્પીકરે કોંગ્રેસ પર પીએમની ખુરશી પાસે જઈને હોબાળો કરવાની યોજનાનો આરોપ લગાવ્યો.
  • પ્રિયંકાનો તર્ક: વડાપ્રધાન મહિલા સાંસદોના વિરોધથી ડરીને ગૃહમાં આવ્યા નથી.
  • અભૂતપૂર્વ ઘટના: ભારતીય સંસદના ઇતિહાસમાં સ્પીકરે પીએમને સુરક્ષાના કારણોસર ગૃહમાં ન આવવાની સલાહ આપી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

(7:01 PM IST)