News of Thursday, 5th February 2026
સાઉદીમાં હવે ઊંટ પણ 'VIP': રણના જહાજ માટે જારી થશે ખાસ પાસપોર્ટ : માઈક્રોચિપથી રાખવામાં આવશે નજર!
વિશ્વમાં પહેલીવાર પ્રાણીઓ માટે હાઈટેક ઓળખપત્ર: સાઉદી સરકારે 22 લાખ ઊંટોનું નસીબ ખોલ્યું: સોનેરી લોગોવાળા લીલા પાસપોર્ટમાં હશે રસીકરણથી લઈને નામ અને વંશાવળી સુધીની તમામ વિગતો

રિયાધ: સાઉદી અરેબિયાએ પોતાના વારસા અને સંસ્કૃતિના પ્રતીક સમાન ઊંટો માટે એક અત્યંત આધુનિક અને વિચિત્ર લાગે તેવો નિર્ણય લીધો છે. હવે અહીંના 'રણના જહાજો' પાસે પણ મનુષ્યોની જેમ પોતાનો સત્તાવાર પાસપોર્ટ હશે. પર્યાવરણ અને કૃષિ મંત્રાલય (MEWA) દ્વારા શરૂ કરાયેલ આ યોજના હેઠળ દેશના અંદાજે 22 લાખ ઊંટોને એક ડિજિટલ ડેટાબેઝ સાથે જોડવામાં આવશે. આ પાસપોર્ટ માત્ર કાગળનો ટુકડો નહીં હોય, પરંતુ તેમાં ઊંટના નામ, તેની જાતિ, જન્મ તારીખ અને રસીકરણના રેકોર્ડની સાથે માઈક્રોચિપ નંબર પણ હશે. આ પહેલનો મુખ્ય હેતુ પશુધન વ્યવસ્થાપનને આધુનિક બનાવવાનો અને પશુઓના વેપારમાં પારદર્શિતા લાવવાનો છે.
આ 'કેમલ પાસપોર્ટ' ની સૌથી ખાસ વાત તેની ડિઝાઈન છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં દેખાય છે કે આ લીલા રંગના પાસપોર્ટ પર સાઉદીનું રાષ્ટ્રીય પ્રતીક અને ઊંટની સોનેરી છબી અંકિત કરવામાં આવી છે. આ દસ્તાવેજ દ્વારા ઊંટોની ખરીદી, વેચાણ અને પરિવહન પ્રક્રિયા અત્યંત સરળ બની જશે, જેનાથી માલિકોના અધિકારોનું રક્ષણ થશે. ખાસ કરીને સાઉદી અરેબિયામાં યોજાતી ઊંટોની પ્રતિષ્ઠિત સ્પર્ધાઓ, જેમાં લાખો ડોલરના ઈનામો અને સોદાઓ થાય છે, તેમાં છેતરપિંડી અને ગેરકાયદેસર કોસ્મેટિક સર્જરી જેવી પ્રવૃત્તિઓ રોકવામાં આ પાસપોર્ટ મોટી ભૂમિકા ભજવશે.
સાઉદી અરેબિયામાં ઊંટ માત્ર એક પ્રાણી નથી, પણ તે સામાજિક પ્રતિષ્ઠા અને અમીરીનું પ્રતીક છે. આશરે 80,000 ઊંટ માલિકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને 7,000 વર્ષ જૂના ઈતિહાસમાં ઊંટ હંમેશા કેન્દ્રસ્થાને રહ્યું છે. સાઉદી વિઝન 2030 અંતર્ગત પશુપાલન ક્ષેત્રને આધુનિક બનાવવાની આ મથામણ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. હવે કોઈ ઊંટ બીજું રૂપ ધારણ કરી શકશે નહીં કે તેની ઓળખ છુપાવી શકશે નહીં. આ નિર્ણયથી સાઉદી સરકારે બતાવી દીધું છે કે તેઓ પોતાના સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
