News of Thursday, 5th February 2026
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને હોબાળો :અધિકારીએ હિન્દીમાં વાત કરવાનું કહેતા વિવાદ વકર્યો: MNS નેતાઓ પહોંચ્યા બેંકમાં
બેન્ક ઓફ મહારાષ્ટ્રના મધ્યપ્રદેશના અધિકારીને ટ્રાન્સફર કરવાની ચીમકી: કાલે બેંક બહાર આંદોલન કરવાની MNSની ચેતવણી

મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે એમએનએસ (MNS) ફરી એકવાર પોતાના અંદાજમાં જોવા મળી છે. મુંબઈમાં મરાઠી ભાષાના મુદ્દે MNS કાર્યકરોએ ફરી ચર્ચામાં આવ્યા છે, સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં MNS ના નેતાઓ બેંકના એક અધિકારીને મરાઠીમાં વાત ન કરવા બદલ ધમકાવી રહ્યા છે.
આ ઘટના મુંબઈના માહિમમાં આવેલી 'બેંક ઓફ મહારાષ્ટ્ર' ની બ્રાન્ચમાં બની હતી. MNS નેતા અનીશ ખંડાગલે અને તેમના કાર્યકરો બેંકમાં ઘૂસી ગયા હતા અને બેંક અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. આ વિવાદનું મૂળ કારણ એક મરાઠી યુવકની લોન એપ્લિકેશન હતી.
આરોપ છે કે એક મરાઠી યુવક છેલ્લા એક મહિનાથી લોન માટે બેંકના ધક્કા ખાઈ રહ્યો હતો. જોકે, બેંક અધિકારી તેને લોન આપી રહ્યા ન હતા અને યોગ્ય રીતે વાત પણ કરતા ન હતા. કંટાળીને યુવકે MNS નેતાઓનો સંપર્ક કર્યો હતો. MNS કાર્યકરોનો દાવો છે કે બેંક અધિકારી પોતે બિન-મરાઠી છે, તેથી તે મરાઠી યુવકને જાણીજોઈને હેરાન કરી રહ્યો છે.
જ્યારે MNS નેતાઓ બેંક પહોંચ્યા અને અધિકારી પર મરાઠીમાં વાત કરવા દબાણ કર્યું, ત્યારે અધિકારીએ સ્પષ્ટ કહ્યું કે, "મને મરાઠી આવડતી નથી, કૃપા કરીને હિન્દીમાં વાત કરો" આ સાંભળીને કાર્યકરો ભડક્યા હતા. બેંક અધિકારીએ દલીલ કરી હતી કે "ક્યાંય લેખિતમાં છે કે મરાઠીમાં જ વાત કરવી જરૂરી છે?" આ સવાલ બાદ મામલો વધુ ગરમાયો હતો અને MNS કાર્યકરોએ અધિકારીને ઘેરી લીધો હતો.
જાણવા મળતી વિગત મુજબ, સંબંધિત બેંક અધિકારી મધ્યપ્રદેશના વતની છે. મરાઠી ભાષાના અપમાનનો આરોપ લગાવીને MNS કાર્યકરોએ બેંક મેનેજરને અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે ચીમકી આપી છે કે મરાઠીનો અનાદર કરનાર આ અધિકારીની તાત્કાલિક બદલી કરવામાં આવે. જો તેમ નહીં થાય, તો આવતીકાલે બપોરે 12 વાગ્યે બેંકની બહાર ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલ આ વીડિયો ઈન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી રહ્યો છે.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
