<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

મુંબઈના CSMT ને પછાડી નવી દિલ્હી સ્ટેશન બન્યું ભારતનું 'કુબેર': વાર્ષિક ₹3337 કરોડની અધધ કમાણી!

હાવડા જંકશન કરતા બમણી આવક અને પ્રીમિયમ ટ્રેનોનો દબદબો: જાણો કેવી રીતે મુસાફરોની સંખ્યા ઓછી હોવા છતાં દિલ્હી સ્ટેશન કમાણીમાં સુપરસ્ટાર સાબિત થયું અને હવે ₹10,000 કરોડના ખર્ચે બની રહ્યું છે વિશ્વ-સ્તરીય હબ

નવી દિલ્હી:  જ્યારે પણ ભારતના ભવ્ય અને વ્યસ્ત રેલ્વે સ્ટેશનોની વાત આવે ત્યારે મુંબઈનું સીએસએમટી (CSMT) કે કોલકાતાનું હાવડા સ્ટેશન નજર સામે તરવરે છે. પરંતુ તાજેતરના નાણાકીય આંકડાઓએ સૌને ચોંકાવી દીધા છે. કમાણીની દ્રષ્ટિએ 'નવી દિલ્હી રેલ્વે સ્ટેશન' (NDLS) અત્યારે દેશનું સૌથી ધનિક સ્ટેશન બની ગયું છે. નાણાકીય વર્ષ 2023-24 ના ડેટા મુજબ, આ સ્ટેશને વાર્ષિક ₹3,337 કરોડની વિક્રમી આવક નોંધાવી છે. આ આંકડો બીજા ક્રમે રહેલા હાવડા જંકશન (₹1,692 કરોડ) કરતા લગભગ બમણો છે, જે સાબિત કરે છે કે રાજધાનીનું આ સ્ટેશન રેલ્વે માટે સોનાની લગડી સમાન છે.

આ કમાણી પાછળનું ગણિત પણ ઘણું રસપ્રદ છે. હકીકતમાં, હાવડા સ્ટેશન પર મુસાફરોની સંખ્યા (61.3 મિલિયન) દિલ્હી (39.3 મિલિયન) કરતા વધુ છે, તેમ છતાં દિલ્હીની આવક કેમ વધારે છે? તેનું મુખ્ય કારણ છે અહીંથી ઉપડતી પ્રીમિયમ ટ્રેનો. રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી અને વંદે ભારત જેવી હાઈ-પ્રોફાઈલ ટ્રેનો સૌથી વધુ નવી દિલ્હીથી ચાલે છે, જેનું ભાડું સામાન્ય ટ્રેનો કરતા ઘણું વધારે હોય છે. આ ઉપરાંત, વીવીઆઈપી દરજ્જો હોવાને કારણે અહીં એડવર્ટાઈઝમેન્ટ, હાઈ-એન્ડ ફૂડ કોર્ટ્સ અને પાર્કિંગ ફી દ્વારા પણ કરોડો રૂપિયાની વધારાની કમાણી થાય છે.

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન માત્ર કમાણીમાં જ નહીં, પણ હવે લુકમાં પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ટક્કર આપશે. સરકાર ₹10,000 કરોડના મહત્વાકાંક્ષી પુનર્વિકાસ પ્રોજેક્ટ હેઠળ સ્ટેશનનો કાયાકલ્પ કરી રહી છે. 2026 સુધીમાં આ પ્રોજેક્ટની અસરો દેખાવા લાગશે, જેમાં ટ્વીન ડોમ સ્ટ્રક્ચર્સ, મુસાફરો માટે અલગ એન્ટ્રી-એક્ઝિટ ગેટ્સ અને લક્ઝરી વેઇટિંગ લાઉન્જ જેવી સુવિધાઓ હશે. હાલમાં નવી દિલ્હી, હાવડા અને ચેન્નાઈ સેન્ટ્રલ ભારતની ટોચના ત્રણ સૌથી વધુ કમાણી કરતા સ્ટેશનો છે, જે ભારતીય અર્થતંત્રના પૈડાં ગતિમાન રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

(9:58 PM IST)