News of Friday, 6th February 2026
ઉત્તર ભારતીયો તમિલનાડુમાં માત્ર પાણીપુરી વેચવા, બાંધકામ ક્ષેત્રે મજૂરી કરવા અને ટેબલ સાફ કરવા માટે આવે છે
તમિલનાડુના મંત્રીએ વિવાદ છેડ્યોઃ ભાજપ અને AIADMKએ મંત્રી પન્નીરસેલ્વમ અને DMKની ટીકા કરી

ચેનંગપટ્ટુ (તમિલનાડુ) તા.૬: તમિલનાડુના કૃષિ મંત્રી અને ડીએમકેના વરિષ્ઠ નેતા એમ.આર.કે. પન્નીરસેલ્વમે ઉત્તર ભારતીયો અને તેઓ રાજ્યમાં જે પ્રકારનું કામ કરે છે તે અંગેની તેમની ટિપ્પણી કરીને એક નવો રાજકીય વિવાદ છેડ્યો છે.
એક જાહેર સંબોધન દરમિયાન કરવામાં આવેલી આ ટિપ્પણી પર ભાજપે આકરા પ્રહાર કર્યા હતા અને શાસક પક્ષ પર નફરત ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો. AIADMKએ પણ તેના કટ્ટર હરીફ પક્ષ પર નિશાન સાધ્યું હતું.
સત્તારૂઢ પક્ષે મંત્રીનો બચાવ કરતા દાવો કર્યો હતો કે તેઓ માત્ર સંબંધિત પ્રદેશોમાં વિકાસની સ્થિતિની સરખામણી કરી રહ્યા હતા. આ કાર્યક્રમના એક વીડિયો કિલપમાં મંત્રી તમિલનાડુના યુવાનોની શૈક્ષણિક પ્રગતિ અને સ્થળાંતર કરનારાઓની સામાજિક-આર્થિક સ્થિતિ વચ્ચે તફાવત દર્શાવતા જોવા મળે છે. પન્નીરસેલ્વમે કહ્યું હતું કે, ''ઉત્તર ભારતીયો તમિલનાડુમાં માત્ર પાણીપુરી વેચવા, બાંધકામ ક્ષેત્રે મજૂરી કરવા અને ટેબલ સાફ કરવા માટે આવે છે.'' તેમણે ઉમેર્યું હતું કે માઇગ્રન્ટ્સ આવી મજૂરીમાં રોકાયેલા છે, ત્યારે ''અહીંના લોકો સારું ભણી રહ્યા છે.''
મંત્રીની ટિપ્પણીને ''સખત નિંદનીય'' ગણાવતા AIADMKના પ્રવકતા કોવઈ સત્યને કહ્યું કે લોકો આજીવિકાની શોધમાં તમિલનાડુ આવે છે, પરંતુ તેમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. તમે જોયું હશે કે ઓડિશાના એક પરપ્રાંતિય મજૂરને કેવી રીતે મારવામાં આવ્યો અને તે પાછો જતો રહ્યો. તમે એ પણ જાણતા હશો કે બિહારના એક દંપતી અને તેમના બાળકની હત્યા કરવામાં આવી હતી. તમિલનાડુના અર્થતંત્રના વિકાસમાં ફાળો આપવા છતાં તેમને સુરક્ષિત ઘર મળતું નથી, તેમની સાથે આવો વ્યવહાર કરવામાં આવે છે.
મોટાભાગના 'બ્રાઉન કોલર' (મજૂરીના) કામો તેમના દ્વારા કરવામાં આવે છે. આમ તેઓ રાજ્યના અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
