<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

આ એ દેશ નથી જ્‍યાં હું મોટો થયોઃ યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીન નારાજ

આપેલું આમંત્રણ પાછું ખેંચવાનો નિર્ણય અપમાનજનક : મેં ક્‍યારેય પોતાને વિશ્વગુરુ ગણાવનારની પ્રશંસા નથી કરી, હું કાયમ સત્તાધારીઓની ટીકા કરું છું અને કરતો રહીશ

મુંબઈ,તા.૦૬: યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં પોતાને આમંત્રણ અપાયા બાદ કાર્યક્રમની આગલી રાતે આમંત્રણ પાછું ખેચાતાં ભારે ધૂંઆપૂંઆ થયેલા પીઢ અભિનેતા નસરુદ્દીન શાહે યુનિવર્સિટીની આ હરકતની ભારે ટીકા કરી હતી. તેમણે એવી આક્રોશ વ્‍યક્‍ત કર્યો હતો કે હું સત્તાધારીઓનો ટીકાકાર રહ્યો છું એટલે યુનિવર્સિટીએ મને આપેલું આમંત્રણ પાછું ખેંચ્‍યું છે. આ એ દેશ નથી જ્‍યાં હું મોટો થયો છું. જ્‍યાં મને પ્રેમ કરતાં શીખવાડવામાં આવ્‍યું હતું.

જ્‍યારે એક વિશ્વવિદ્યાલય ટ્ટ સચ્‍ચાઈને શક્‍તિ આપે છે' એ શીર્ષક હેઠળ એક લેખમાં નસીરુદ્દીન શાહે જણાવ્‍યું છે કે તેમને મુંબઈ યુનિવર્સિટીના ઉર્દૂ વિભાગ દ્વારા પહેલી ફેબ્રુઆરીએ આયોજિત જશ્ન-એ-ઉર્દૂ કાર્યક્રમમાં આમંત્રિત કરાયા હતા. પરંતુ ૩૧ જાન્‍યુઆરીની મોડી રાત્રે ફોન કરીને તેમને કહેવાયું કે, હવે તેમની હાજરીની જરુર નથી. જોકે, વધારે ખરાબ વાત તો એ હતી કે કાર્યક્રમમાં હાજર લોકોને કહેવામાં આવ્‍યું હતું કે, શાહે પોતે જ આવવાની ના પાડી છે.  નસીરુદીને સ્‍પષ્ટતા કરતાં જણાવ્‍યું કે, આ દાવા સંપૂર્ણપણે ખોટો હતો અને તેનાથી તેમનું અપમાન થયું છે.

તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ સાથ સંવાદ સાધવાનું તેમને હંમેશાં ગમ્‍યું છે. આથી આ કાર્યક્રમ માટે તેમને વિશેષ લગાવ હતો. ચાર દાયકાથી વધુની પોતાની કારકિર્દીમાં તેઓ કાયમ યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા રહ્યા છે.

નસીરુદ્દીને આશંકા વ્‍યક્‍ત કરી હતી કે હાલની રાજકીય સ્‍થિતિમાં તેમના અભિપ્રાયોને કારણે તેમને આ કાર્યક્રમનું આમંત્રણ પાછું ખેંચી લેવાયું હોય તેવું બની શકે છે. નસીરુદ્દીને કહ્યું હતું કે હું ક્‍યારેય દેશની વિરુદ્ધ બોલ્‍યો નથી. મેં ક્‍યારેય ભારતને બદનામ કરતું કોઈ નિવેદન આપ્‍યું હોય તેવું કોઈ સાબિત કરી બતાવે તેવો પડકાર તેમણે ફેંક્‍યો હતો.

નસીરુદીને આ મુદ્દે કેન્‍દ્ર સરકાર પર ટીકાની ઝડી વરસાવતાં કહ્યું હતું કે મેં ક્‍યારેય પોતાને ‘વિશ્વગુરુ' કહેનારાના વખાણ નથી કર્યા. ગત ૧૦ વર્ષમાં તેમના દ્વારા કરાયેલ કોઈ કામથી હું પ્રભાવિત થયો નથી.

(11:41 AM IST)