<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ચૂંટણી હાર્યા પછી પબ્‍લિસિટી માટે કોર્ટનો સહારો ન લો

પ્રશાંત કિશોરની ‘જન સૂરજ' પાર્ટીને સુપ્રીમ કોર્ટની ફટકારઃ બિહાર ચૂંટણી રદ કરવાની અરજી ફગાવી

નવી દિલ્‍હી, તા.૬: બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ ના પરિણામો બાદ પણ રાજકીય ગરમાવો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. પ્રશાંત કિશોરની નવી રચાયેલી જન સૂરજ પાર્ટીએ આખી ચૂંટણી પ્રક્રિયાને જ ગેરકાયદેસર ગણાવી તેને રદ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્‍યા હતા. જોકે, સુનાવણી દરમિયાન મુખ્‍ય ન્‍યાયાધીશ સૂર્યકાંતે પાર્ટીને આકરો ઠપકો આપતા કહ્યું કે, તમારા પક્ષને કેટલા મત મળ્‍યા છે તે જુઓ. કોર્ટે સ્‍પષ્ટ શબ્‍દોમાં ટકોર કરી કે જ્‍યારે જનતા તમને નકારી કાઢે છે, ત્‍યારે લોકપ્રિયતા મેળવવા માટે ન્‍યાયતંત્રનો પ્‍લેટફોર્મ તરીકે ઉપયોગ કરવો એ ગેરવાજબી છે. આ આકરા વલણથી પીકેની કાનૂની લડાઈને પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે.

વિવાદના મૂળમાં નીતીશ સરકારની મહિલા રોજગાર યોજના છે. જન સૂરજ પાર્ટીનો આરોપ છે કે મતદાનના થોડા સમય પહેલા જ આ યોજના હેઠળ કરોડો રૂપિયા મહિલાઓના ખાતામાં ટ્રાન્‍સફર કરવામાં આવ્‍યા હતા, જે આચારસંહિતાનો સીધો ભંગ છે. અરજીમાં દાવો કરાયો હતો કે સપ્‍ટેમ્‍બર અને ઓક્‍ટોબરમાં જે રીતે નાણાંનો પ્રવાહ વહ્યો, તેણે ચૂંટણીના પરિણામો પર મોટી અસર પાડી છે. માત્ર જન સૂરજ જ નહીં, પરંતુ આરજેડીએ પણ અગાઉ આ મુદ્દે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્‍યો કે એક જ અરજીમાં આખી ચૂંટણી રદ કરવાની માંગ કેવી રીતે કરી શકાય?

સુપ્રીમ કોર્ટે આ મામલે કોઈ પણ પ્રકારની નોટિસ જારી કરવાનો ઇનકાર કરી દીધો અને અરજદારને પટના હાઈકોર્ટમાં જવા માટે નિર્દેશ આપ્‍યો છે. CJI એ સ્‍પષ્ટ કર્યું કે કોઈપણ સરકારી યોજનાને પડકારી શકાય છે, પરંતુ ચૂંટણી હાર્યા પછી તેને રદ કરવાની માંગ કરવી એ લોકશાહી ઢબે યોગ્‍ય નથી. બિહારમાં ૬ અને ૧૧ નવેમ્‍બર ૨૦૨૫ ના રોજ થયેલા મતદાન બાદ હવે આ મામલો કાયદાકીય ગૂંચવણમાં ફસાયો છે. હવે જોવાનું એ રહેશે કે પ્રશાંત કિશોર હાઈકોર્ટમાં કયા પુરાવા સાથે મેદાનમાં ઉતરે છે અને શું તે આ રૂપિયાની વહેંચણીના આરોપો સાબિત કરી શકશે કે કેમ.

(3:11 PM IST)