<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

અમેરિકામાં સનસનાટી: ટ્રમ્પ સરકાર 50,000 સરકારી અધિકારીઓને ગમે ત્યારે નોકરીમાંથી કાઢી શકશે

સિવિલ સર્વિસના વર્ષો જૂના સુરક્ષા કવચ હટાવવાની તૈયારી; વહીવટી કામગીરીમાં અવરોધરૂપ બનતા 'પોલિસી મેકર્સ' પર ગાજ પડશે

વોશિંગ્ટન, તા. 6: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળમાં ફેડરલ સરકારના માળખાને ધરમૂળથી બદલવા માટે એક મોટું અને વિવાદાસ્પદ કદમ ઉઠાવ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્ર એક એવો નવો નિયમ લાવી રહ્યું છે જે અંતર્ગત અંદાજે 50,000 જેટલા વરિષ્ઠ ફેડરલ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની પ્રક્રિયા અત્યંત સરળ બની જશે. આ ફેરફારથી અમેરિકાની દાયકાઓ જૂની સિવિલ સર્વિસ પ્રોટેક્શન સિસ્ટમને મોટો ફટકો પડવાની શક્યતા છે.
અહેવાલ અનુસાર, યુએસ ઓફિસ ઓફ પર્સનલ મેનેજમેન્ટ (OPM) ટૂંક સમયમાં એક અંતિમ નિયમ જારી કરવા જઈ રહ્યું છે. આ નિયમ હેઠળ, નીતિ-નિર્ધારણ અને અમલીકરણ સાથે જોડાયેલા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ માટે એક અલગ શ્રેણી બનાવવામાં આવશે. અત્યાર સુધી આ અધિકારીઓને વિશેષ કાયદાકીય રક્ષણ મળતું હતું, જેના કારણે તેમને પદ પરથી હટાવવા મુશ્કેલ હતા. પરંતુ, હવે આ નવા નિયમ બાદ તેમને મળતી મુક્તિઓ હટાવી લેવામાં આવશે, જેથી સરકાર પોતાની નીતિઓમાં અવરોધ ઉભો કરતા અધિકારીઓને સરળતાથી 'શિસ્તબદ્ધ' કરી શકશે અથવા ઘરભેગા કરી શકશે.
ટ્રમ્પ વહીવટીતંત્રની દલીલ છે કે ફેડરલ સરકારનું વર્તમાન કાર્યબળ ઘણું ફૂલેલું અને બિનકાર્યક્ષમ છે. OPM ડાયરેક્ટર સ્કોટ કુપોરે આ પગલાને સમર્થન આપતા જણાવ્યું હતું કે, આ પ્રયાસનો હેતુ કરદાતાઓના નાણાંનો યોગ્ય ઉપયોગ થાય અને સરકાર વધુ પ્રતિભાવશીલ બને તે સુનિશ્ચિત કરવાનો છે. જોકે, વિવેચકો આ પગલાને 'રાજકીય શુદ્ધિકરણ' તરીકે જોઈ રહ્યા છે.
અમેરિકામાં સરકારી નોકરીને અત્યાર સુધી ખૂબ જ સ્થિર અને સુરક્ષિત માનવામાં આવતી હતી, જ્યાં અધિકારીઓ દાયકાઓ સુધી સેવા આપતા હોય છે. પરંતુ ટ્રમ્પની આ આક્રમક રણનીતિએ વરિષ્ઠ અધિકારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. જો આ નિયમ અમલમાં આવશે, તો વ્હાઇટ હાઉસ સીધી રીતે ઉચ્ચ અધિકારીઓની નિમણૂક અને બરતરફી પર વધુ નિયંત્રણ મેળવી શકશે.

(4:02 PM IST)