<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ઈરાન અને અમેરિકા વચ્‍ચે તણાવઃ હોર્મોઝની ખાડીમાંથી બે વિદેશી જહાજો જપ્તઃ ૧૫ની અટકાયત

તેહરાનઃ મધ્‍ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે. ઈરાનની રિવોલ્‍યુશનરી ગાર્ડ્‍સએ પર્શિયન ગલ્‍ફમાં મોટી કાર્યવાહી કરતા ઇંધણની તસ્‍કરીના આરોપ હેઠળ બે વિદેશી ઓઈલ ટેન્‍કરો જપ્ત કર્યા છે. આ જહાજોમાંથી અંદાજે ૧૦ લાખ લીટર (૨,૭૦,૦૦૦ ગેલન) થી વધુ ડિઝલ મળી આવ્‍યું છે.

ઈરાની નૌસેનાએ ફારસી ટાપુ નજીક આ કાર્યવાહી કરી ૧૫ વિદેશી ક્રૂ મેમ્‍બર્સની અટકાયત કરી છે. ઈરાનનો દાવો છે કે આ જહાજો લાંબા સમયથી ઇંધણની હેરાફેરીના નેટવર્ક સાથે જોડાયેલા હતા. આ ઘટના એવા સમયે બની છે જ્‍યારે અમેરિકા અને ઈરાન વચ્‍ચે ઓમાનમાં પરમાણુ કરાર મુદ્દે મહત્‍વની વાટાઘાટો થવાની હતી.

ઈરાનના પૂર્વ મંત્રી ઇજ્જતુલ્‍લાહ જરઘામીએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ‘એક્‍સ' પર અમેરિકાને ખુલ્‍લી ચેતવણી આપતા લખ્‍યું કે, હોર્મોઝની ખાડી અમેરિકા માટે નરક સમાન સાબિત થશે. ઉલ્‍લેખનીય છે કે દુનિયાનો ૨૦-૨૫%  તેલ વેપાર હોર્મોઝની ખાડી મારફતે થાય છે, જેનો ઉપયોગ ઈરાન અવારનવાર આંતરરાષ્ટ્રીય દબાણ બનાવવા માટે કરે છે. આ કાર્યવાહીથી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્‍પના શાસન હેઠળ બંને દેશો વચ્‍ચે સૈન્‍ય સંઘર્ષની શક્‍યતા વધી ગઈ છે.

(4:59 PM IST)