News of Friday, 6th February 2026
AI ના શરણે ગયું સત્ય: મીરા નાયર અને ઝોહરાન મમદાનીના ફેક ફોટાએ મચાવ્યો હોબાળો
કુખ્યાત જેફરી એપ્સ્ટેઇન સાથેની નકલી તસવીરો વાયરલ થતા મેયર મમદાની લાલઘૂમ; AI ના નિયમન માટે કરી જોરદાર માંગ

ન્યૂ યોર્ક, તા. 6: આજના ‘ડીપફેક’ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં કોઈ પણ વ્યક્તિની છબી ખરડવી કેટલી સરળ બની ગઈ છે, તેનો તાજો શિકાર બન્યા છે જાણીતા ફિલ્મ નિર્માતા મીરા નાયર અને તેમના પુત્ર તથા ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મમદાની. સોશિયલ મીડિયા પર હાલમાં કેટલીક એવી તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં મીરા નાયર અને નાનકડા ઝોહરાનને કુખ્યાત જાતીય ગુનેગાર જેફરી એપ્સ્ટેઇન અને અન્ય હસ્તીઓ સાથે ઉભેલા દર્શાવવામાં આવ્યા છે. જોકે, હકીકત એ છે કે આ તસવીરો સંપૂર્ણપણે નકલી અને AI દ્વારા બનાવવામાં આવી છે.
આ નકલી તસવીરો ત્યારે સામે આવી જ્યારે ન્યાય વિભાગે એપ્સ્ટેઇન ફાઇલ્સના દસ્તાવેજો જાહેર કર્યા. આ દસ્તાવેજોમાં 2009નો એક ઇમેઇલ હતો જેમાં મીરા નાયરના નામનો ઉલ્લેખ એક ફિલ્મ સ્ક્રીનિંગ પછીની પાર્ટીના સંદર્ભમાં હતો. આ નાનકડા તથ્યને પકડીને સોશિયલ મીડિયા યુઝર્સે AI ના માધ્યમથી જૂઠાણાનું એવું જાળું વણ્યું કે જેમાં બિલ ક્લિન્ટન, બિલ ગેટ્સ અને જેફ બેઝોસ જેવા દિગ્ગજો સાથે નાયર અને મમદાનીને એડિટ કરીને મૂકી દેવાયા.
“સત્ય કરતા જૂઠાણું વધુ ઝડપથી ફેલાય છે”
પોતાની માતા અને બાળપણની છબીઓનો આવો દુરુપયોગ જોઈને ઝોહરાન મમદાની અત્યંત વ્યથિત થયા છે. તેમણે આ અનુભવને "અતિશય મુશ્કેલ" ગણાવતા કહ્યું કે, "ખોટી માહિતીના આ યુગમાં સ્પષ્ટપણે ફોટોશોપ કરેલી છબીઓ દુનિયાભરમાં ફેલાતી જોવી એ અવિશ્વસનીય રીતે પીડાદાયક છે." તેમણે એક જૂની કહેવત ટાંકી હતી કે, સત્ય હજી તો જોડા પહેરે ત્યાં સુધીમાં તો જૂઠાણું આખી દુનિયા ફરી વળે છે.
AI ના કાયદાની માંગ
આ વિવાદે ફરી એકવાર ટેકનોલોજીના નૈતિક ઉપયોગ પર સવાલો ઉભા કર્યા છે. મમદાનીએ ચેતવણી આપી છે કે આપણી વર્તમાન સિસ્ટમ આધુનિક ટેકનોલોજીની ઝડપ સામે લાચાર છે. તેમણે અમેરિકા અને વિશ્વના દેશોને AI માટે કડક નિયમનકારી કાયદાઓ બનાવવાની હાકલ કરી છે જેથી કોઈ નિર્દોષ વ્યક્તિના સન્માન સાથે આવો ખેલ ન ખેલાય. શરૂઆતમાં આ તસવીરો બનાવનાર એકાઉન્ટે તેને ‘મીમ’ (Meme) ગણાવ્યું હતું, પરંતુ તે જે રીતે વાયરલ થઈ તેણે એક ગંભીર સામાજિક વિવાદનું રૂપ ધારણ કરી લીધું છે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
