<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ઇન્ડિગો ફ્લાઇટમાં મહિલાનો ગજબનો ‘જુગાડ’: સીટ પર ટ્રાઇપોડ લગાવીને શરૂ કર્યું મુવી થિયેટર!

35,000 ફૂટની ઊંચાઈએ પર્સનલ વ્યુઇંગ સ્ટેશન બનાવીને મહિલાએ આરામથી જોઈ સીરીઝ; વીડિયો જોઈ નેટીઝન્સ પણ બોલ્યા- ‘લેવલ છે ભાઈ!’

અમદાવાદ: ભારતીયો પોતાના જુગાડ માટે આખી દુનિયામાં જાણીતા છે, પછી ભલે તે જમીન હોય કે આકાશ! તાજેતરમાં ઇન્ડિગો (IndiGo) ફ્લાઇટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા મુસાફરે પ્લેનમાં મુવી જોવા માટે જે ટેકનિક અપનાવી તે જોઈને લોકો દંગ રહી ગયા છે. સામાન્ય રીતે લોકો ફોન હાથમાં પકડીને કે સીટના પાછળના ભાગમાં ભરાવીને ફિલ્મો જોતા હોય છે, પણ આ મહિલા તો પોતાની સાથે આખું ‘ટ્રાઇપોડ’ (Tripod) લઈને પ્લેનમાં ચઢી હતી.
આકાશમાં ‘પર્સનલ સ્ટુડિયો’ સેટઅપ
X (અગાઉ ટ્વિટર) પર @imYadav31 નામના યુઝરે આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આઇઝલ સીટ પર બેઠેલી મહિલાએ પોતાની સામે એક મોટું ટ્રાઇપોડ ગોઠવ્યું છે અને તેના પર ફોન એવી રીતે સેટ કર્યો છે કે તે બરાબર તેની આંખની સામે રહે. આ સેટઅપ જોઈને એવું લાગે જાણે પ્લેનની અંદર કોઈ નાનકડો સ્ટુડિયો બનાવવામાં આવ્યો હોય! મહિલા કોઈ પણ પ્રકારના ગરદનના દુખાવા વગર આરામથી પોતાની ફેવરિટ સીરીઝની મજા માણી રહી હતી.
નેટીઝન્સે કરી પ્રશંસા, તો કેટલાકે પૂછ્યા સવાલ
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ પ્રતિક્રિયાઓનો ધોધ વછૂટ્યો છે. ઘણા યુઝર્સે મહિલાની સ્માર્ટનેસના વખાણ કર્યા છે. એક યુઝરે લખ્યું, "લાંબી મુસાફરીમાં હાથ દુખવા લાગે એના કરતા આ બેસ્ટ રસ્તો છે." જ્યારે બીજાએ રમુજી અંદાજમાં કહ્યું, "આને કહેવાય અસલી ભારતીય જુગાડ!" જોકે, કેટલાક લોકોએ એરપોર્ટ સુરક્ષા (Security) પર પણ સવાલ ઉઠાવ્યા કે ટ્રાઇપોડ જેવા સાધનો કેબિન સામાનમાં લઈ જવાની મંજૂરી કેવી રીતે મળી?
બજેટ એરલાઇન્સમાં વધતો ટ્રેન્ડ
આજકાલ બજેટ એરલાઇન્સમાં પર્સનલ સ્ક્રીન હોતી નથી, તેથી મુસાફરો પોર્ટેબલ ગેજેટ્સ અને ફોન હોલ્ડર્સનો ઉપયોગ કરતા વધ્યા છે. ઇન્ડિગો ફ્લાઇટ્સમાં અવારનવાર આવા રમુજી અને આશ્ચર્યજનક કિસ્સાઓ બનતા રહે છે, જે ઇન્ટરનેટ પર હેડલાઇન્સ બને છે. આ મહિલાના ટ્રાઇપોડ જુગાડે સાબિત કરી દીધું છે કે જો મનોરંજનની ઈચ્છા હોય, તો સુવિધા તો ગમે ત્યાં ઉભી કરી શકાય છે!

(8:45 PM IST)