<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

નેપાળમાં લગ્નની ખુશીઓ માતમના ફેરવાઈ: બસ ઊંડી ખીણમાં ખાબકતા 13 ના કરુણ મોત

બૈતાડીથી બજહાંગ જતી જાનની બસને નડ્યો અકસ્માત; 34 થી વધુ મુસાફરો લોહીલુહાણ, હોસ્પિટલમાં આક્રંદના દ્રશ્યો

કાઠમંડુ: પશ્ચિમ નેપાળના પહાડી રસ્તાઓ પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. લગ્નની ઉજવણીમાં ભાગ લેવા જઈ રહેલા મહેમાનોથી ભરેલી એક બસ ભયાનક અકસ્માતનો ભોગ બનતા 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. સુદુરપશ્ચિમ પ્રાંતના બૈતાડી જિલ્લામાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળાવ્યું છે. ખુશીના ગીતો ગાતી જાનની બસ પળવારમાં કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ હતી.
ઘટનાની વિગતો અને જાનહાનિ
મળતી માહિતી મુજબ, બસ બૈતાડીની પુરચૈદી મ્યુનિસિપાલિટીથી બજહાંગ જઈ રહી હતી. ગુરુવારે મોડી સાંજે પુરચૈદી બડગાંવ મોડ પાસે ચાલકે નિયંત્રણ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે 8 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 5 લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
બચાવ કામગીરી અને ઘાયલોની સ્થિતિ
બૈતાડી પોલીસ વડા દીપક કુમાર રોયે જણાવ્યું હતું કે, અકસ્માતમાં અન્ય 34 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને દાદેલ્ધુરા, ધનગઢી અને બજહાંગની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ઘણાની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પહાડી વિસ્તાર અને સાંકડા રસ્તાઓને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
નેપાળમાં પહાડી ભૂપૃષ્ઠ અને વળાંકવાળા રસ્તાઓને કારણે અવારનવાર આવા અકસ્માતો સર્જાતા હોય છે, પરંતુ લગ્નના પ્રસંગે સર્જાયેલી આ હોનારતે અનેક પરિવારોના માળા વિખેરી નાખ્યા છે.

(8:50 PM IST)