News of Friday, 6th February 2026
બુંદેલખંડમાં ભાજપના જ ધારાસભ્યનો ‘બળવો’: મંત્રીનો કાફલો રોક્યા બાદ બ્રિજભૂષણ રાજપૂતને નોટિસ, શું રાજપૂત સમીકરણ બગડશે?
પોતાની જ સરકાર સામે બાંયો ચઢાવનાર બ્રિજભૂષણે ફેસબુક પોસ્ટથી મચાવ્યો ખળભળાટ; પિતા ગંગા ચરણ રાજપૂતના વારસા સાથે બુંદેલખંડના 7 જિલ્લાઓમાં પ્રભુત્વ વધારવાની તૈયારી

મહોબા: ઉત્તર પ્રદેશના રાજકારણમાં અત્યારે બુંદેલખંડના નેતા અને ચરખારીથી ભાજપના ધારાસભ્ય બ્રિજભૂષણ રાજપૂત કેન્દ્રસ્થાને છે. પોતાની જ સરકારના જળશક્તિ મંત્રીનો કાફલો રોકીને ચર્ચામાં આવેલા બ્રિજભૂષણને હવે ભાજપ પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરીએ કારણદર્શક નોટિસ ફટકારી છે. જોકે, નોટિસ મળતા જ ધારાસભ્ય વધુ આક્રમક બન્યા છે અને ફેસબુક પર 'બુંદેલખંડ પ્રવાસ'ની જાહેરાત કરીને બળવાના સંકેત આપ્યા છે.
વારસામાં મળેલું લોખંડી રાજકારણ
બ્રિજભૂષણ રાજપૂતને રાજકારણ લોહીમાં મળ્યું છે. તેમના પિતા ગંગા ચરણ રાજપૂત ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે અને બુંદેલખંડનો અવાજ માનવામાં આવે છે. બ્રિજભૂષણ પોતે ડબલ ગ્રેજ્યુએટ અને ડોક્ટરેટની પદવી ધરાવે છે, પરંતુ તેમની છબી એક ઉગ્ર અને બળવાખોર નેતા તરીકેની છે. 2017 અને 2022માં સતત બે વાર ધારાસભ્ય બનીને તેમણે સાબિત કર્યું છે કે મહોબા અને આસપાસના પટ્ટામાં તેમનો સિક્કો ચાલે છે.
રાજપૂત મતોનું ગણિત અને ભાજપની ચિંતા
બુંદેલખંડના સાત જિલ્લાઓમાં કુલ 19 વિધાનસભા બેઠકો છે. અહીં રાજપૂત સમુદાયની વસ્તી ભલે 8 થી 12 ટકા હોય, પરંતુ તેમની એકતા ચૂંટણીના પરિણામો પલટવાની ક્ષમતા ધરાવે છે. મહોબાની ચરખારી અને સદર બેઠક પર રાજપૂત મતદારો નિર્ણાયક છે. જો બ્રિજભૂષણ રાજપૂત પક્ષથી અલગ પડે છે, તો હમીરપુર, બાંદા અને મહોબા જેવી અંદાજે 5 થી 7 બેઠકો પર ભાજપને મોટું નુકસાન વેઠવું પડી શકે છે.
શું બ્રિજભૂષણ નવી રાહ પકડશે?
પિતા ગંગા ચરણ રાજપૂતે સોશિયલ મીડિયા પર પુત્રને ‘શાણપણ’ આપવાની પ્રાર્થના કરી છે, જે દર્શાવે છે કે પરિવારમાં પણ આ બળવાને લઈને મડાગાંઠ છે. બીજી તરફ, વિપક્ષી પાર્ટીઓ આ તકનો લાભ લેવા ટાંપીને બેઠી છે. જો સાત દિવસમાં બ્રિજભૂષણનો જવાબ સંતોષકારક નહીં હોય, તો ભાજપ તેમને સસ્પેન્ડ કરી શકે છે, જેનાથી બુંદેલખંડમાં એક નવું રાજકીય સમીકરણ રચાઈ શકે છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
