<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

પર્યટકોની ‘બદતમીઝી’ થી જાપાન ત્રાહિમામ: પ્રખ્યાત ચેરી બ્લોસમ ફેસ્ટિવલ અચાનક રદ, કારણ જાણીને ચોંકી જશો

ફુજીયોશિડા શહેરમાં પર્યટકો પૂછ્યા વગર સ્થાનિકોના ઘરોમાં ઘૂસ્યા; કચરો અને ગંદકી ફેલાવતા કંટાળેલા વહીવટીતંત્રનો આકરો નિર્ણય, ‘ઓવરટુરિઝમ’ સામે લીધા કડક પગલાં

ટોક્યો: વસંત ઋતુમાં જ્યારે જાપાનમાં ચેરીના ફૂલો (સાકુરા) ખીલે છે, ત્યારે જાણે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય તેવા દૃશ્યો સર્જાય છે. પરંતુ આ વર્ષે જાપાનના સુંદર શહેર ફુજીયોશિડામાં આ ઉત્સવ જોવા નહીં મળે. સ્થાનિક વહીવટીતંત્રે પર્યટકોના અસભ્ય વર્તન અને બેકાબૂ ભીડને કારણે પ્રખ્યાત ‘ચેરી બ્લોસમ ફેસ્ટિવલ-2026’ રદ કરવાની જાહેરાત કરી છે.
: શહેરના મેયર શિગેરુ હોરીયુચીએ આ નિર્ણય લેતા જે કારણો આપ્યા છે તે આઘાતજનક છે. અહેવાલો મુજબ, માઉન્ટ ફુજીના દર્શન કરવા આવતા પર્યટકો હવે હદ વટાવી રહ્યા છે. અનેક પર્યટકો પરવાનગી વગર સ્થાનિક લોકોના ખાનગી બગીચામાં ઘૂસી જાય છે, એટલું જ નહીં, લોકોના ઘરોના દરવાજા ખોલીને પૂછ્યા વગર બાથરૂમનો ઉપયોગ કરવા લાગે છે. કેટલાક કિસ્સાઓમાં તો લોકોની ખાનગી જમીન પર ગંદકી અને શૌચ કરવાના બનાવો પણ સામે આવ્યા છે, જેનાથી સ્થાનિક રહેવાસીઓની શાંતિ હણાઈ ગઈ છે.
 આ ઉત્સવ રદ થવા પાછળનું એક કારણ સોશિયલ મીડિયા પણ છે. ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર વાયરલ થયેલી તસવીરોને કારણે અહીં દરરોજ 10,000 થી વધુ લોકો ઉમટી પડે છે. જાપાનીઝ ચલણ ‘યેન’ નબળું પડવાને કારણે વિદેશી પર્યટકો માટે જાપાનનો પ્રવાસ સસ્તો બન્યો છે, જેનાથી ભીડ બેકાબૂ થઈ ગઈ છે. ટ્રાફિક જામ અને કચરાના ઢગલાએ શહેરના મૂળભૂત માળખાને ખોરવી નાખ્યું છે.
માત્ર જાપાન જ નહીં, પરંતુ ઈટાલીના વેનિસ અને રોમ જેવા શહેરો પણ પર્યટકોની અતિશય ભીડથી પરેશાન છે. રોમે તો પ્રખ્યાત ટ્રેવી ફાઉન્ટેન જોવા માટે ફી પણ દાખલ કરી છે. જાપાનમાં અગાઉ એક લોકપ્રિય ફોટો સ્પોટ પર ભીડ રોકવા માટે કાળો પડદો લગાવી દેવામાં આવ્યો હતો. હવે ચેરી બ્લોસમ ફેસ્ટિવલ રદ કરીને જાપાને દુનિયાને સંદેશ આપ્યો છે કે પ્રવાસન કરતાં સ્થાનિક લોકોનું ગૌરવ અને શાંતિ વધુ મહત્વની છે.ભલે સત્તાવાર ઉત્સવ રદ થયો હોય, પરંતુ કુદરતી રીતે ખીલનારા ફૂલો જોવા માટે પર્યટકો હજુ પણ આવશે, જેને લઈને વહીવટીતંત્ર હવે વધારાની સુરક્ષા અને કડક નિયમો લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે

(9:14 PM IST)