<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

નસીરુદ્દીન શાહનો સરકાર પર આકરો પ્રહાર: "પોતાને 'વિશ્વગુરુ' કહેનારાઓનો ઘમંડ મને પરેશાન કરે છે"

મુંબઈ યુનિવર્સિટીના કાર્યક્રમમાંથી છેલ્લી ઘડીએ પડતા મૂકાતા અભિનેતા લાલઘૂમ; કહ્યું- "મેં સરકારની ટીકા કરી છે, દેશની નહીં, બંને વચ્ચેનો તફાવત સમજો"

મુંબઈ: હિન્દી સિનેમાના પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ અને વિવાદોનો જૂનો નાતો રહ્યો છે. તાજેતરમાં મુંબઈ યુનિવર્સિટીના 'જશ્ન-એ-ઉર્દૂ' કાર્યક્રમમાં તેમને આપવામાં આવેલું આમંત્રણ છેલ્લી ઘડીએ રદ કરવામાં આવતા અભિનેતાએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. એક અખબારમાં લખેલા પોતાના લેખમાં તેમણે કેન્દ્રની મોદી સરકાર અને વર્તમાન રાજકીય સ્થિતિ પર આકરા સવાલો ઉઠાવ્યા છે. 75 વર્ષીય અભિનેતાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જે લોકો પોતાને 'વિશ્વગુરુ' માને છે, તેમનો અહંકાર તેમને જરાય પસંદ નથી.
નસીરુદ્દીન શાહે જણાવ્યું કે, 1 ફેબ્રુઆરીના કાર્યક્રમ માટે તેમને 31 જાન્યુઆરીની રાત્રે જ ના પાડી દેવામાં આવી હતી. તેમણે આક્ષેપ કર્યો કે યુનિવર્સિટીએ પ્રેક્ષકોને ખોટું કહ્યું કે મેં પોતે આવવાની ના પાડી છે. યુનિવર્સિટીના એક અધિકારીએ તેમને 'દેશ વિરોધી નિવેદનો' આપનારા ગણાવ્યા હતા, જેના પર પલટવાર કરતા શાહે પડકાર ફેંક્યો છે કે, "મેં દેશ વિરુદ્ધ બોલ્યું હોય તેવું એક પણ નિવેદન બતાવો. મેં હંમેશા સરકારની નીતિઓની ટીકા કરી છે, જે દેશપ્રેમથી અલગ નથી."
પોતાના લેખમાં ભાવુક થતા નસીરુદ્દીન શાહે લખ્યું છે કે, "આ તે દેશ નથી જેને મેં પ્રેમ કરવાનું શીખ્યું હતું." તેમણે વિદ્યાર્થી કાર્યકરોની અટકાયત, ઇતિહાસના પુસ્તકોમાં ફેરફાર અને લઘુમતીઓ વિરુદ્ધની નિવેદનબાજી પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જ્યોર્જ ઓરવેલના પુસ્તક '1984' નો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજે દેશમાં એવી સ્થિતિ છે કે જો તમે 'નેતા' ની પ્રશંસા ન કરો તો તમને દેશદ્રોહી માની લેવામાં આવે છે.
 શાહે વધુમાં ઉમેર્યું કે, પહેલા જે ધિક્કાર માત્ર બે મિનિટ માટે જોવા મળતો હતો, તે હવે સોશિયલ મીડિયા અને રાજકારણના કારણે 24 કલાક સતત ફેલાવવામાં આવી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં સરકારના કોઈ પણ કાર્યથી તેઓ પ્રભાવિત થયા નથી અને ભવિષ્યમાં પણ તેઓ ખોટી નીતિઓ સામે અવાજ ઉઠાવતા રહેશે તેવી મક્કમતા તેમણે દર્શાવી છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ફરી એકવાર નસીરુદ્દીન શાહ અને સરકારના સમર્થકો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું છે.

(9:06 PM IST)