<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

સોના-ચાંદીની ચમક ફીકી પડી! રોકાણકારો હવે 'લાલ સોના' પાછળ ઘેલા : તાંબાના ભાવમાં 30% નો તોતિંગ ઉછાળો

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના આસમાને પહોંચેલા ભાવ અને અનિશ્ચિતતાને પગલે રોકાણકારો હવે સુરક્ષિત અને સસ્તો વિકલ્પ શોધી રહ્યા છે, જેમાં તાંબુ (કોપર) એક 'ગેમ ચેન્જર' તરીકે ઉભરી આવ્યું

નવી દિલ્હી :  વર્તમાન સમયમાં સોના અને ચાંદીના ભાવમાં આવતી ભારે વધઘટને કારણે મધ્યમ વર્ગના રોકાણકારોમાં ફાળ પડી છે. સોનું હવે સામાન્ય માણસની પહોંચથી બહાર જઈ રહ્યું છે, ત્યારે તાંબુ એક મજબૂત મિલકત તરીકે ઉભરી રહ્યું છે. છેલ્લા એક જ મહિનામાં તાંબાના ભાવમાં 25 થી 30 ટકાનો અધધ ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકા દ્વારા તાંબાને 'ક્રિટિકલ મિનરલ' જાહેર કરાતા અને તેની વૈશ્વિક અછત સર્જાતા, નાના રોકાણકારો હવે 1 કિલોથી 5 કિલોના કોપર બારમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે, કારણ કે તે સોનાની તુલનાએ ઓછી મૂડીમાં વધુ નફો આપવાની ક્ષમતા ધરાવે છે.

આ તેજી પાછળનું ટેકનિકલ કારણ 'ગ્રીન એનર્જી' અને ઇલેક્ટ્રિક વાહનો (EV) નો વધતો ક્રેઝ છે. પરંપરાગત પેટ્રોલ-ડીઝલ ગાડીઓ કરતા ઇલેક્ટ્રિક વાહનોમાં અનેકગણું વધુ તાંબુ વપરાય છે, સાથે જ સોલાર પેનલ્સ અને વિન્ડ ટર્બાઇન્સમાં પણ તેની અનિવાર્યતા વધી છે. બજારના નિષ્ણાતો માને છે કે જેમ-જેમ દુનિયા ક્લીન એનર્જી તરફ વળશે, તેમ-તેમ તાંબાની માંગ પુરવઠા કરતા વધી જશે. આ 'ડિમાન્ડ-સપ્લાય ગેપ'ને કારણે તાંબુ ભવિષ્યમાં માત્ર ઉદ્યોગો માટે જ નહીં, પણ રોકાણકારો માટે પણ 'નવું સોનું' સાબિત થવા જઈ રહ્યું છે.

સ્થાનિક બુલિયન વેપારીઓના મતે, તાંબામાં રોકાણ કરવું હવે ડિજિટલ ગોલ્ડ કે શેરબજાર જેટલું જ આકર્ષક બન્યું છે. ખાસ કરીને કાનપુર જેવા વ્યાપારી કેન્દ્રોમાં રોકાણકારો હવે સુરક્ષિત વળતર માટે તાંબાના સિક્કા અને બાર તરફ વળ્યા છે. નિષ્ણાત ઉમંગ અગ્રવાલ જણાવે છે કે આંતરરાષ્ટ્રીય અટકળો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં તાંબાની અનિવાર્યતા જોતા, આગામી વર્ષોમાં પણ આ તેજી અકબંધ રહેવાની શક્યતા છે. જો તમે ઓછી મૂડીમાં લાંબા ગાળાનું અને ભરોસાપાત્ર રોકાણ શોધી રહ્યા હોવ, તો તાંબુ અત્યારે શ્રેષ્ઠ વિકલ્પ દેખાઈ રહ્યો છે.

(9:57 PM IST)