News of Saturday, 7th February 2026
મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર કાળમુખો કન્ટેનર બસમાંથી ઉતરેલા મુસાફરો પર ફરી વળ્યો: ૮ના કમકમાટીભર્યા મોત

મથુરા: ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના સુરીર કોતવાલી વિસ્તારમાં આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. યમુના એક્સપ્રેસ-વે પર પુરપાટ ઝડપે આવી રહેલા એક કાળમુખા કન્ટેનરે બસમાંથી નીચે ઉતરેલા મુસાફરોને અડફેટે લેતા ૮ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે.
સુરીર કોતવાલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા યમુના એક્સપ્રેસ-વે ઉપર એક ખાનગી બસ રસ્તા પર ઉભી હતી, તેમાંથી મુસાફરો નીચે ઉતરી રહ્યા હતા તે દરમિયાન પાછળથી ધસમસતા આવેલા કન્ટેનરે કાબૂ ગુમાવ્યો હતો અને મુસાફરોને કચડી નાખ્યા હતા.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાને પગલે એક્સપ્રેસ-વે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
