હવે માણસ નહીં, AI સોફ્ટવેર બનશે બોસ! : રોબોટ્સને જરૂર છે તમારા શરીરની : આ વેબસાઇટ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસોને રાખશે ભાડે!
‘Rentahuman.ai’ પ્લેટફોર્મ દ્વારા નવી ગીગ ઇકોનોમીનો પ્રારંભ : ૨ લાખથી વધુ લોકો રોબોટ્સના આદેશ પર કામ કરવા તૈયાર : ક્રિપ્ટોકરન્સીમાં ચૂકવવામાં આવશે મહેનતાણું

નવી દિલ્હી, તા. 7 ફેબ્રુઆરી : અત્યાર સુધી આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ આપણા કામો સરળ બનાવવા માટે કરતા હતા, પરંતુ હવે પાસા પલટાવા જઈ રહ્યા છે. ટેકનોલોજીની દુનિયામાં એક એવું પ્લેટફોર્મ ‘Rentahuman.ai’ સામે આવ્યું છે જ્યાં AI એજન્ટ્સ પોતાના એવા કામો માટે માણસોને ભાડે રાખી શકશે જે તે ડિજિટલ દુનિયામાં રહીને જાતે કરી શકતા નથી. આ પ્લેટફોર્મ ‘રોબોટ્સ નીડ યોર બોડી’ (રોબોટ્સને તમારા શરીરની જરૂર છે) ના સૂત્ર સાથે એક વિચિત્ર છતાં વ્યવહારુ ગીગ ઇકોનોમી ઊભી કરી રહ્યું છે.
શું છે આ નવો કોન્સેપ્ટ?
વર્ષો સુધી AI સિસ્ટમ્સ આપણી સ્ક્રીન અને સર્વર સુધી મર્યાદિત હતી. તે આપણને ડેટા એનાલિસિસ, કોડિંગ કે શિડ્યુલ મેનેજમેન્ટમાં મદદ કરતી હતી. પરંતુ હવે, સોફ્ટવેર પોતે જ બોસ બનીને માનવ ‘મીટ’ (શરીર) ને ભૌતિક કાર્યો કરવા માટે હાયર કરશે. આ મોડેલ સૂચવે છે કે ઓટોમેશન હંમેશા માણસોને કામ પરથી હટાવતું નથી, પરંતુ ક્યારેક કામ કરવાની રીત બદલી નાખે છે.
AI કયા કામો માટે માણસોને રાખશે?
વેબસાઇટ પર ‘મીટસ્પેસ ટાસ્ક’ ની યાદી આપવામાં આવી છે, જે કામો AI પોતે કરી શકતું નથી. જેમાં નીચે મુજબના કાર્યોનો સમાવેશ થાય છે:
* ચીજવસ્તુઓની ડિલિવરી અને પિકઅપ
* મીટિંગ્સમાં હાજરી અને હસ્તાક્ષર કરવા
* કોઈ સ્થળની તપાસ (રેકી) અથવા વેરિફિકેશન
* ઇવેન્ટ્સમાં હાજરી, હાર્ડવેર રિપેરિંગ અને રિયલ એસ્ટેટના કામો
* લેબ ટેસ્ટિંગ, ફોટા પાડવા અને ખરીદી કરવી
કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ?
કોઈપણ વ્યક્તિ પોતાનું લોકેશન, કૌશલ્ય અને કલાક દીઠ દર નક્કી કરીને આ સાઈટ પર પ્રોફાઇલ બનાવી શકે છે. જ્યારે કોઈ કંપની કે ડેવલપર દ્વારા બનાવવામાં આવેલ AI એજન્ટને કોઈ કામની જરૂર પડશે, ત્યારે તે સોફ્ટવેર કનેક્શન દ્વારા યોગ્ય કાર્યકર શોધીને તેને સીધી સૂચનાઓ મોકલશે. આ પ્રક્રિયામાં કોઈ માનવ મેનેજર કે વાતચીતની જરૂર રહેશે નહીં. કામ પૂરું થતા જ પેમેન્ટ ઓટોમેટિક પ્રોસેસ થઈ જશે.
૨.૧૮ લાખ લોકો તૈયાર, ક્રિપ્ટોમાં થશે પેમેન્ટ:
આશ્ચર્યજનક વાત એ છે કે અત્યાર સુધીમાં અંદાજે ૨,૧૮,૯૨૧ લોકોએ પોતાને રોબોટ્સની સેવા માટે ‘રેન્ટેબલ’ (ભાડે મળી શકે તેવા) તરીકે નોંધણી કરાવી છે. આ પ્લેટફોર્મ પર કામના બદલામાં સ્ટેબલકોઈન્સ, બિટકોઈન અથવા ઇથેરિયમ જેવી ક્રિપ્ટોકરન્સીમાં ચૂકવણી કરવામાં આવે છે. મુસાફરોએ માત્ર પોતાનું ડિજિટલ વોલેટ કનેક્ટ કરવાનું રહે છે. જોકે, આ મોડેલમાં કામદારોની સુરક્ષા અને જવાબદારી કોની રહેશે તેવા ગંભીર પ્રશ્નો પણ ટેક નિષ્ણાતો ઉઠાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
