<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

વડાપ્રધાન મોદીની મલેશિયાને મોટી ભેટ : ટૂંક સમયમાં નવું કોન્સ્યુલેટ ખુલશે અને UPI સેવા શરૂ થશે : ભારતીય સમુદાયને સંબોધતા પીએમની જાહેરાત

‘ભારત હવે રોકાણ અને વેપારનું હબ છે, દેશની અર્થવ્યવસ્થા ટોપ-3 તરફ અગ્રેસર’ : કુઆલાલમ્પુરના ભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાને તમિલ સંસ્કૃતિના ગૌરવ અને ભારત-મલેશિયાના અતૂટ સંબંધોને બિરદાવ્યા

કુઆલાલમ્પુર, તા. 7 ફેબ્રુઆરી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મલેશિયાની તેમની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે કુઆલાલમ્પુર ખાતે હજારોની સંખ્યામાં ઉમટેલા ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાને ભારત અને મલેશિયા વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જતી અનેક મહત્વની જાહેરાતો કરી હતી. વડાપ્રધાને જાહેરાત કરી હતી કે ભારત ટૂંક સમયમાં જ મલેશિયામાં એક નવું કોન્સ્યુલેટ (દૂતાવાસની કચેરી) ખોલશે, જેનાથી અહીં વસતા ભારતીયો માટે વહીવટી પ્રક્રિયાઓ વધુ સરળ બનશે. આ ઉપરાંત, ભારતીય ડિજિટલ પેમેન્ટ ક્રાંતિનું પ્રતીક એવી UPI સેવા પણ ટૂંક સમયમાં મલેશિયામાં કાર્યરત થશે.
ભારતની આર્થિક તાકાતનો જયઘોષ:
વડાપ્રધાને ગર્વ સાથે જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષમાં ભારતે એક અભૂતપૂર્વ પરિવર્તન જોયું છે. અગાઉ ભારત વિશ્વની ૧૧મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતું, પરંતુ આજે આપણે વિશ્વની પ્રથમ ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવવાના દ્વાર ખખડાવી રહ્યા છીએ. હવે વિશ્વ ભારતને માત્ર એક મોટા બજાર તરીકે જ નહીં, પરંતુ વિકાસના વિશ્વસનીય ભાગીદાર તરીકે જોઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ભારતની ‘ટ્રસ્ટ’ (વિશ્વાસ) એ આજે સૌથી મોટી કરન્સી બની ગઈ છે, જેના કારણે અમેરિકા, યુએઈ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન જેવા દેશો સાથે ભારતે સફળ વેપાર કરારો કર્યા છે.
તમિલ સંસ્કૃતિ અને તિરુવલ્લુવર શિષ્યવૃત્તિ:
દક્ષિણ ભારતીય સંસ્કૃતિ અને તમિલ ભાષાના મહત્વને બિરદાવતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તમિલ સંસ્કૃતિ વૈશ્વિક છે અને ભારતને વિશ્વ સાથે જોડતી કડી છે. તેમણે વિદ્યાર્થીઓ માટે ‘તિરુવલ્લુવર સ્કોલરશિપ’ શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેના દ્વારા મલેશિયન વિદ્યાર્થીઓ ભારતમાં ઉચ્ચ અભ્યાસ કરી શકશે. વડાપ્રધાને મલેશિયાના પીએમ અનવર ઈબ્રાહિમના તમિલ ગીતો અને લેજન્ડરી એમજીઆર પ્રત્યેના પ્રેમના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, કુઆલાલમ્પુરની રોટી ચેનાઈ અને મલબાર પરોઠા વચ્ચેના સ્વાદના સંબંધો બંને દેશોના હૃદયને જોડે છે.
ઐતિહાસિક સાંસ્કૃતિક પ્રદર્શન:
આ કાર્યક્રમમાં એક અનોખો રેકોર્ડ સર્જાયો હતો. ૮૦૦ થી વધુ કલાકારોએ એકસાથે ભરતનાટ્યમ, કથકલી, કુચીપુડી અને ઓડિસી જેવા ભારતીય શાસ્ત્રીય નૃત્યો રજૂ કરીને મલેશિયન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું. વડાપ્રધાને આ પ્રદર્શનને અદ્ભુત ગણાવતા કલાકારોને અભિનંદન આપ્યા હતા. કાર્યક્રમમાં મલેશિયન પીએમ અનવર ઈબ્રાહિમ પણ હાજર રહ્યા હતા, જેમણે વડાપ્રધાન મોદીને પોતાના અંગત મિત્ર ગણાવીને ભારત સાથેના પ્રાચીન સંબંધોને યાદ કર્યા હતા. આ મુલાકાતથી મલેશિયામાં વસતા ૨૯ લાખથી વધુ ભારતીયોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(5:22 PM IST)