News of Saturday, 7th February 2026
સુદાનમાં RSF ના ડ્રોન હુમલામાં 8 માસુમ બાળકો સહિત 24 લોકોના મોત
સુદાનમાં ઉત્તર કોર્ડોફાનમાં જીવ બચાવવા ભાગી રહેલા પરિવારોના વાહન પર RSFના ઘાતક હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું

આફ્રિકન દેશ સુદાન છેલ્લા ત્રણ વર્ષથી ભયાનક ગૃહયુદ્ધની આગમાં સળગી રહ્યો છે. સેના અને અર્ધલશ્કરી દળ રેપિડ સપોર્ટ ફોર્સિસ વચ્ચેના સત્તા સંઘર્ષે દેશની શાંતિ હણી લીધી છે. આ લોહિયાળ જંગમાં શનિવારે વધુ એક કાળજું કંપાવનારી ઘટના બની છે. સુદાનના ઉત્તર કોર્ડોફાન પ્રાંતમાં આવેલા રાહદ નજીક એક ભયાનક ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 8 નિર્દોષ બાળકો સહિત ઓછામાં ઓછા 24 લોકોના કરુણ મોત નીપજ્યા છે.
સ્થાનિક અહેવાલો મુજબ, આ હુમલો કુખ્યાત અર્ધલશ્કરી જૂથ RSF દ્વારા કરવામાં આવ્યો હોવાનું મનાય છે. જોકે, આ જૂથ દ્વારા હજુ સુધી હુમલા અંગે કોઈ સત્તાવાર નિવેદન કે ટિપ્પણી કરવામાં આવી નથી. છેલ્લા ત્રણ વર્ષથી આ જૂથ સુદાનની સત્તા કબજે કરવા માટે રાષ્ટ્રીય સેના સામે લોહિયાળ જંગ લડી રહ્યું છે. નિર્દોષ નાગરિકો આ બે જૂથોની લડાઈમાં હોમાઈ રહ્યા છે.
એપ્રિલ 2023 થી સુદાનની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. સેના અને RSF વચ્ચેનો વિવાદ હવે ખુલ્લા યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર ના સત્તાવાર આંકડા મુજબ, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 40,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે, રાહત એજન્સીઓનો દાવો છે કે વાસ્તવિક મૃત્યુઆંક આનાથી અનેક ગણો વધારે હોઈ શકે છે.યુદ્ધના કારણે સુદાનમાં દુકાળ અને રોગચાળો ફાટી નીકળ્યો છે. અંદાજે 14 મિલિયન (1.4 કરોડ) થી વધુ લોકો પોતાના ઘર છોડીને વિસ્થાપિત થયા છે, જે તેને વર્તમાન સમયનું સૌથી મોટું માનવતાવાદી સંકટ બનાવે છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
