તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
'વાઈ વાઈ' નૂડલ્સ બનાવતી કંપનીને ફટકો: ₹90.9 લાખનો દંડ, ટેક્સ ઘટ્યો છતાં ગ્રાહકોને લાભ ન આપ્યો
GST રેટ 18% થી ઘટીને 12% થયો પણ નૂડલ્સના ભાવ ન ઘટાડ્યા; પ્રોફિટીયરિંગના કેસમાં દિલ્હી ટ્રિબ્યુનલનો કડક આદેશ

અમદાવાદ: જાણીતી ઇન્સ્ટન્ટ નૂડલ્સ બ્રાન્ડ 'વાઈ વાઈ' (Wai Wai) બનાવતી કંપની સી.જી. ફૂડ્સ (C.G. Foods) મુશ્કેલીમાં મુકાઈ છે. દિલ્હી ખાતેની GST એપેલેટ ટ્રિબ્યુનલે કંપનીને ₹90.9 લાખ સરકારી ફંડમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે વર્ષ 2017માં જ્યારે ઇન્સ્ટન્ટ નૂડલ્સ પરનો GST દર 18% થી ઘટાડીને 12% કરવામાં આવ્યો હતો, ત્યારે કંપનીએ તેનો લાભ ગ્રાહકોને આપવાને બદલે પ્રોફિટીયરિંગ (વધુ નફો) કર્યું હતું.
એન્ટિ-પ્રોફિટીયરિંગ ડાયરેક્ટર જનરલની તપાસ મુજબ, ખાસ કરીને 'વાઈ વાઈ ચિકન નૂડલ્સ મિમી 35 ગ્રામ' ના પેકેટ પર ટેક્સ ઘટ્યા પછી કિંમતો ઘટવી જોઈતી હતી, પરંતુ કંપનીએ બેઝ પ્રાઈઝમાં વધારો કરી દીધો હતો. ડેટા દર્શાવે છે કે ટેક્સ ઘટ્યા પછી પ્રતિ કાર્ટન કિંમત ₹226.66 થવી જોઈતી હતી, તેની સામે કંપનીએ ₹237.57 વસૂલ્યા હતા. આ તફાવતની રકમને ગ્રાહકો પાસેથી કરેલી ગેરકાયદે વસૂલાત ગણવામાં આવી છે.
કંપનીએ બચાવમાં દલીલ કરી હતી કે ઘઉંના લોટ, પામ ઓઈલ અને મસાલાના ભાવ વધવાને કારણે ખર્ચ વધી ગયો હતો, તેથી કિંમતો જાળવી રાખવી પડી હતી. જોકે, ટ્રિબ્યુનલે આ દલીલ ફગાવી દેતા કહ્યું કે કંપનીએ રજૂ કરેલા ખર્ચના આંકડા ટેક્સમાં ઘટાડો થયો તે પહેલાના હતા. ટ્રિબ્યુનલે કંપનીને ₹90,90,310 ની રકમ કેન્દ્ર અને રાજ્યના 'કન્ઝ્યુમર વેલફેર ફંડ'માં જમા કરાવવા નિર્દેશ આપ્યો છે.
કેસની મુખ્ય વિગતો:
• ગાળા: 15 નવેમ્બર, 2017 થી 31 ડિસેમ્બર, 2018 સુધીની ગેરરીતિ.
• નિયમ: GST કાયદા મુજબ, જો ટેક્સમાં ઘટાડો થાય તો કંપનીએ તેની સીધી અસર કિંમતો ઘટાડીને ગ્રાહકો સુધી પહોંચાડવી ફરજિયાત છે.
• રાહત: ટ્રિબ્યુનલે વ્યાજ કે પેનલ્ટી લાદવાનો ઇનકાર કર્યો છે, કારણ કે તે સમયે દંડના કાયદા અમલમાં નહોતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
