<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

રશિયામાં કામદારોની ભારે અછત: હવે ભારત અને શ્રીલંકાના ભરોસે પુતિન, લાખો નોકરીઓની તક

યુક્રેન યુદ્ધ અને વસ્તી ઘટાડાને કારણે રશિયામાં મજૂર કટોકટી વણસી; વર્ષ 2030 સુધીમાં 1.1 કરોડ નવા શ્રમિકોની જરૂર પડશે

મોસ્કો: રશિયા અત્યારે દાયકાઓની સૌથી મોટી મજૂર કટોકટી (Labor Crisis) નો સામનો કરી રહ્યું છે. વર્ષો સુધી મધ્ય એશિયાના દેશો પર નિર્ભર રહ્યા પછી, હવે વ્લાદિમીર પુતિન સરકારે ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા વધુ વસ્તી ધરાવતા દેશો તરફ નજર દોડાવી છે. એક અંદાજ મુજબ, રશિયાની અર્થવ્યવસ્થાને ચલાવવા માટે વર્ષ 2030 સુધીમાં વધુ 1.1 કરોડ કામદારોની જરૂર પડશે. આ જ કારણ છે કે રશિયાએ ભારત સાથે કામચલાઉ મજૂર સ્થળાંતર પ્રક્રિયાને સરળ બનાવવા માટે મહત્વના કરારો કર્યા છે.
રશિયામાં ભારતીય કામદારોની માંગમાં થયેલો ઉછાળો આંકડાઓ પરથી સ્પષ્ટ જણાય છે. વર્ષ 2021માં રશિયાએ ભારતીયોને માત્ર 5,000 વર્ક પરમિટ આપી હતી, જે વર્ષ 2025માં વધીને 56,000 થી વધુ થઈ ગઈ છે. અત્યારે રશિયાના મોટા શહેરોમાં બરફ હટાવવા જેવા મ્યુનિસિપલ કામોથી લઈને બાંધકામ સાઇટ્સ, રેસ્ટોરાં અને શિપબિલ્ડિંગ જેવા ક્ષેત્રોમાં દક્ષિણ એશિયાઈ કામદારો જોવા મળી રહ્યા છે. રશિયાની ઘણી એજન્સીઓએ તો ચેન્નાઈ જેવા શહેરોમાં તાલીમ કેન્દ્રો પણ ખોલ્યા છે, જ્યાં વેલ્ડર અને અન્ય કુશળ કારીગરોને રશિયન ભાષા અને કામની તાલીમ આપવામાં આવે છે.
આ કટોકટી પાછળના મુખ્ય કારણોમાં યુક્રેન સાથેનું યુદ્ધ અને રશિયાની ઘટતી વસ્તી છે. યુદ્ધને કારણે હજારો રશિયન યુવાનો કાં તો સેનામાં જોડાયા છે અથવા દેશ છોડીને ચાલ્યા ગયા છે. બીજી તરફ, રશિયામાં બેરોજગારીનો દર માત્ર 2% છે, જે દર્શાવે છે કે ત્યાં કામ કરનારા લોકો જ બચ્યા નથી. નિષ્ણાતોનું માનવું છે કે રશિયા માટે આ માત્ર હંગામી સમસ્યા નથી પરંતુ લાંબા ગાળાની પરિસ્થિતિ છે, જેમાં ભારત જેવા દેશોના કામદારો રશિયાના અર્થતંત્રને ટકાવી રાખવા માટે 'સંજીવની' સમાન સાબિત થશે.
 
રશિયામાં શા માટે વધી રહી છે ભારતીયોની માંગ?
•    કાયદેસર કરાર: વિઝા-મુક્ત દેશોના કામદારો વારંવાર નોકરી બદલે છે, જ્યારે ભારતીય કામદારો કોન્ટ્રાક્ટ અને વિઝાથી બંધાયેલા હોવાથી સ્થિર રહે છે.
•    ઓછું વેતન: રશિયન કામદારોની સરખામણીએ કુશળ ભારતીય ઇલેક્ટ્રિશિયન કે ટેકનિશિયન 25% ઓછા વેતનમાં ઉપલબ્ધ થાય છે.
•    નવા ક્ષેત્રો: હવે માત્ર બાંધકામ જ નહીં, પરંતુ હોસ્પિટાલિટી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ ભારતીયોની ભારે માંગ છે.

(7:05 PM IST)