<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

અઝરબૈજાન પ્રવાસનમાં ગાબડું: ભૂ-રાજકીય તણાવને કારણે ભારતીય પ્રવાસીઓમાં 30% નો ઘટાડો

વર્ષ 2025 માં કનેક્ટિવિટીની સમસ્યા નડી, પરંતુ હવે 'ડેસ્ટિનેશન વેડિંગ' અને નવી ફ્લાઈટ્સથી તેજીની આશા

મુંબઈ: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ અને હવાઈ માર્ગોમાં થયેલા ફેરફારની સીધી અસર અઝરબૈજાનના પ્રવાસન ઉદ્યોગ પર જોવા મળી છે. વર્ષ 2025 માં ભારતથી અઝરબૈજાન જનારા પ્રવાસીઓની સંખ્યામાં 30% નો મોટો ઘટાડો નોંધાયો છે. આંકડા મુજબ, વર્ષ 2024 માં 2.40 લાખ ભારતીયોએ અઝરબૈજાનની મુલાકાત લીધી હતી, જે વર્ષ 2025 માં ઘટીને માત્ર 1.70 લાખ રહી ગઈ છે. અઝરબૈજાન ટૂરિઝમ બોર્ડના સીઈઓ ફ્લોરિયન સેન્ગસ્ટશ્મિડે મુંબઈમાં ચાલી રહેલા 'આઉટબાઉન્ડ ટ્રાવેલ માર્કેટ' (OTM) 2026 દરમિયાન આ માહિતી આપી હતી.
ઘટાડા પાછળનું મુખ્ય કારણ એરસ્પેસ બંધ થવાને કારણે ફ્લાઈટ્સના રૂટ બદલાવા અને કનેક્ટિવિટી મોંઘી થવાનું માનવામાં આવે છે. જોકે, વર્ષ 2026 માં સ્થિતિ સુધરવાની આશા છે. અઝરબૈજાન હવે ભારતીય બજારમાંથી 10 થી 15% વૃદ્ધિની અપેક્ષા રાખી રહ્યું છે, કારણ કે ભારતીયોમાં હવે ત્યાં 'ડેસ્ટિનેશન વેડિંગ', એનિવર્સરી સેલિબ્રેશન અને સોલો ટ્રાવેલિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે. નોંધનીય છે કે ભારતીય પ્રવાસીઓએ વર્ષ 2026 દરમિયાન અઝરબૈજાનમાં અંદાજે 180 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે.
ગુજરાતીઓ માટે સૌથી મોટા સમાચાર એ છે કે, જૂન 2026 થી અઝરબૈજાન એરલાઇન્સ અમદાવાદથી બાકુ (Baku) માટે સીધી ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે. દર અઠવાડિયે મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવારે એમ ચાર ફ્લાઈટ્સ ઓપરેટ થશે. આ નવી કનેક્ટિવિટીથી ગુજરાતના પ્રવાસીઓમાં મોટો ઉછાળો આવશે તેવી સંભાવના છે. આ ઉપરાંત, અઝરબૈજાન હવે જ્યોર્જિયા, ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાન સાથે મળીને 'સિલ્ક રૂટ' પેકેજ પણ ઓફર કરી રહ્યું છે જે ભારતીયોમાં અત્યંત લોકપ્રિય છે.
 
અઝરબૈજાન પ્રવાસનની નવી વ્યૂહરચના:
•    અમદાવાદ-બાકુ કનેક્ટિવિટી: જૂનથી શરૂ થતી સીધી ફ્લાઈટ્સથી મુસાફરી વધુ સસ્તી અને ઝડપી બનશે.
•    ટાર્ગેટ સેગમેન્ટ: ભારતીય લગ્નો, મહિલાઓના ગ્રૂપ અને વીકેન્ડ ટ્રિપ્સ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
•    સાંસ્કૃતિક સામ્ય: ખાનપાન, મહેમાનગતિ અને જીવનશૈલીમાં ભારત અને અઝરબૈજાન વચ્ચે ઘણું સામ્ય હોવાથી ભારતીયો માટે તે મનપસંદ સ્થળ બની રહ્યું છે.

(7:09 PM IST)