News of Saturday, 7th February 2026
UPI યુઝર્સ માટે મોટા સમાચાર: હવે પલક ઝપકતા જ થશે પેમેન્ટ : ફેબ્રુઆરીથી બદલાઈ ગયા 4 મહત્વના નિયમો
Google Pay અને PhonePe વાપરતા કરોડો ભારતીયો પર થશે સીધી અસર : ટ્રાન્ઝેક્શનનો સમય 30 સેકન્ડથી ઘટાડી 10 સેકન્ડ કરાયો અને સ્પામ પેમેન્ટ રિક્વેસ્ટ પર મુકાયો કડક પ્રતિબંધ

નવી દિલ્હી : જો તમે પણ શાકભાજીથી લઈને શોપિંગ મોલ સુધી દરેક જગ્યાએ UPI થી પેમેન્ટ કરો છો, તો ફેબ્રુઆરી 2026 થી લાગુ થયેલા નવા નિયમો તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ ફાસ્ટ અને સુરક્ષિત બનાવવા માટે સિસ્ટમમાં ધરખમ સુધારા કર્યા છે. હવે તમારા UPI ટ્રાન્ઝેક્શન અને બેંક સાથેનો API પ્રતિભાવ મહત્તમ 10 સેકન્ડમાં પૂર્ણ કરવો ફરજિયાત બન્યો છે. અગાઉ આ સમય મર્યાદા 30 સેકન્ડની હતી, જેના કારણે ઘણીવાર નેટવર્ક પ્રોબ્લેમ કે સર્વર ડાઉનને લીધે પેમેન્ટ અટકી જતું હતું, પરંતુ હવે ગ્રાહકોને 'પ્રોસેસિંગ' ના લાંબા વેઇટિંગમાંથી મુક્તિ મળશે.
સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ વખતે નવા નિયમોમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને મોટી રકમના વ્યવહારો માટે હવે એડિશનલ વેરિફિકેશન સ્ટેપ્સ ઉમેરવામાં આવ્યા છે, જેથી છેતરપિંડીની શક્યતા ઘટી જાય. જો કોઈ ભૂલથી ખોટા આઈડી પર નાણાં ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરશે, તો પેમેન્ટ પહેલાં એક મોટી અને સ્પષ્ટ 'કન્ફર્મેશન સ્ક્રીન' દેખાશે. આ ઉપરાંત, જે લોકો વારંવાર પેમેન્ટ રિક્વેસ્ટ મોકલીને છેતરપિંડી કરે છે, તેવી 'સ્પામ કલેક્ટ રિક્વેસ્ટ' પર પણ મર્યાદા લાદવામાં આવી છે. ઓટો-ડેબિટ કે સબ્સ્ક્રિપ્શન ચાર્જિસને મેનેજ કરવા અને રદ કરવાની પ્રક્રિયા હવે તમારી મનપસંદ UPI એપમાં પહેલા કરતા ઘણી સરળ બની જશે.
નવા નિયમોમાં એક મહત્વનો ફેરફાર 'નિષ્ક્રિય આઈડી' ને લઈને છે. જો તમે લાંબા સમયથી તમારા કોઈ UPI ID નો ઉપયોગ નથી કર્યો, તો તેને સુરક્ષાના કારણોસર અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવશે અને તેને ફરી શરૂ કરવા માટે ફરીથી વેરિફિકેશન કરવું પડશે. સૌથી મોટી રાહત નિષ્ફળ ગયેલા વ્યવહારોમાં મળશે; હવે જો તમારું પેમેન્ટ ફેલ થાય અને ખાતામાંથી પૈસા કપાઈ જાય, તો તેનું રિફંડ થોડા દિવસોને બદલે ગણતરીના કલાકોમાં જ પરત મળી જશે. આ નવા ફેરફારોથી Google Pay, PhonePe અને Paytm જેવા પ્લેટફોર્મ્સ હવે પહેલા કરતા વધુ વિશ્વસનીય અને યુઝર-ફ્રેન્ડલી બનશે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
