<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

સૂરજકુંડ મેળામાં માતમ: 'સુનામી' ઝૂલો તૂટી પડતા પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, ૧૩થી વધુ ઘાયલ

બચાવ કામગીરી દરમિયાન ઇન્સ્પેક્ટરે જીવ ગુમાવ્યો; મેળામાં સુરક્ષાના અભાવે મોટી હોનારત સર્જાતા ફેલાઈ ચકચાર

ફરીદાબાદ: હરિયાણાના ફરીદાબાદમાં આયોજિત વિશ્વ પ્રસિદ્ધ સૂરજકુંડ મેળામાં શનિવારે સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. મેળામાં આવેલો હાઈ-સ્પીડ 'સુનામી' ઝૂલો અચાનક ટેકનિકલ ખામીને કારણે તૂટી પડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં લોકોની વહારે આવેલા એક પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, જ્યારે અન્ય ૧૩થી વધુ પ્રવાસીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
ઘટનાની વિગતો મુજબ, જ્યારે ઝૂલો તૂટ્યો ત્યારે ત્યાં હાજર પોલીસ ઇન્સ્પેક્ટર જગદીશ પ્રસાદ ઇજાગ્રસ્તોને બચાવવા માટે તાત્કાલિક દોડી ગયા હતા. જોકે, બચાવ કામગીરી દરમિયાન જ તેઓ પોતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
આશ્ચર્યની વાત એ છે કે, આ દુર્ઘટના પહેલા દિવસે જ ભારે પવનને કારણે મેળાના ફૂડ કોર્ટનો એક ગેટ પણ ધરાશાયી થયો હતો, જે સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કરે છે. ડેપ્યુટી કમિશનર અને પ્રવાસન વિભાગના મેનેજિંગ ડિરેક્ટરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. મેળામાં આવેલી ઈમરજન્સી ટીમો હાલ કાર્યરત છે અને ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે હર્ષોલ્લાસના માહોલમાં ગમગીની છવાઈ ગઈ છે.

(9:58 PM IST)