<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

ક્રિપ્ટોમાં મોટો છબરડો: ભૂલથી યુઝર્સના ખાતામાં જમા થઈ ગયા 44 અબજ ડોલરના બિટકોઈન

દક્ષિણ કોરિયાના એક્સચેન્જ 'Bithumb' ની એક નાનકડી ભૂલથી યુઝર્સ રાતોરાત અબજોપતિ બની ગયા; માર્કેટમાં મચ્યો ખળભળાટ

સોલ: દક્ષિણ કોરિયાના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ પૈકીના એક 'Bithumb' માં એક અકલ્પનીય ટેકનિકલ ખામી સર્જાઈ હતી. એક્સચેન્જ તેના યુઝર્સને પ્રોત્સાહન રૂપે અંદાજે 2,000 કોરિયન વોન (આશરે 115 રૂપિયા) કેશ બોનસ તરીકે આપવાનું હતું. પરંતુ, એક ટેકનિકલ એરરને કારણે સિસ્ટમે કેશને બદલે દરેક વિજેતા યુઝરના ખાતામાં 2,000 બિટકોઈન જમા કરી દીધા!
આ ભૂલને કારણે 695 યુઝર્સના ખાતામાં કુલ મળીને 6,20,000 જેટલા બિટકોઈન ટ્રાન્સફર થઈ ગયા હતા, જેની વર્તમાન બજાર કિંમત અંદાજે 44 અબજ ડોલર (આશરે 3.6 લાખ કરોડ રૂપિયા) થાય છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ ક્રિપ્ટો માર્કેટમાં હોબાળો મચી ગયો હતો અને યુઝર્સ આ ફ્રીમાં મળેલા બિટકોઈન વેચવા દોડ્યા હતા, જેના કારણે બિટકોઈનના ભાવમાં ક્ષણિક 17% નો કડાકો જોવા મળ્યો હતો.
જોકે, Bithumb એ માત્ર 35 મિનિટમાં જ હરકતમાં આવીને અસરગ્રસ્ત યુઝર્સના ટ્રેડિંગ અને વિથડ્રોઅલ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. કંપનીએ દાવો કર્યો છે કે તેમણે 99.7% જેટલા બિટકોઈન પરત મેળવી લીધા છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ કોઈ હેકિંગની ઘટના નથી પરંતુ વિતરણમાં થયેલી માનવીય કે સિસ્ટમની ભૂલ છે. આ ઘટના બાદ દક્ષિણ કોરિયાના ફાઈનાન્સિયલ રેગ્યુલેટર્સ સક્રિય થયા છે અને ક્રિપ્ટો એક્સચેન્જોની સુરક્ષા અને ઓટોમેટેડ સિસ્ટમ પર સવાલો ઉભા કર્યા છે.
 
આ ઘટનાની મુખ્ય અસરો:
•    માર્કેટમાં કડાકો: અચાનક મોટી સંખ્યામાં વેચાણના ઓર્ડર આવતા બિટકોઈનનો ભાવ થોડીવાર માટે 17% ઘટી ગયો હતો.
•    સરકારી તપાસ: કોરિયાના ફાઈનાન્સિયલ સર્વિસ કમિશને આ મામલે ઈમરજન્સી મીટિંગ બોલાવી તપાસના આદેશ આપ્યા છે.
•    રિકવરી: એક્સચેન્જે જણાવ્યું કે મોટાભાગના બિટકોઈન રિકવર કરી લેવાયા છે અને જે નુકસાન થયું છે તે કંપની પોતાના મૂડીભંડોળમાંથી ભોગવશે.

(8:28 PM IST)