હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
છત્તીસગઢ : જાંજગીર - ચાંપામાં ત્રિપલ ટ્રેલર અકસ્માત બાદ ભીષણ આગ : એક ચાલકનું કેબિનમાં જ જીવતા ભૂંજાઈ જવાથી કરુણ મોત
અકલતરા-બલૌદા માર્ગ પર કોલસો ભરેલા ત્રણ ટ્રેલરો વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોના કુરચા બોલી ગયા અને ક્ષણવારમાં આગની લપેટમાં આવી ગયા

જાંજગીર-ચાંપા : છત્તીસગઢના જાંજગીર-ચાંપા જિલ્લાના અકલતરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારે એક અત્યંત દર્દનાક અને ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અકલતરા-બલૌદા મુખ્ય માર્ગ પર ગ્રામ કોટગઢ પાસે વહેલી સવારે ચારથી પાંચ વાગ્યાના અરસામાં કોલસો ભરેલા ત્રણ ટ્રેલરો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માત બાદ ત્રણેય વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક ટ્રેલર ચાલકનું કેબિનની અંદર જ જીવતા સળગી જવાથી કરુણ મોત નીપજ્યું હતું.
ટક્કર બાદ આગના ગોટા હવામાં ઉછળ્યા:
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ત્રણેય ટ્રેલરો અત્યંત તેજ ગતિએ જઈ રહ્યા હતા. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રેલરોનો આગળનો ભાગ કચડાઈને કૂચડો થઈ ગયો હતો અને જોતજોતામાં આગ લાગી ગઈ હતી. આગની લપેટો અને ધુમાડાના ગોટા એટલા વિકરાળ હતા કે દૂર-દૂર સુધી દેખાઈ રહ્યા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક ચાલક ગંભીર રીતે દાઝી જવાથી ઘાયલ થયો છે, જ્યારે ત્રીજા વાહનના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે.
સ્થાનિક લોકોની હિંમત અને બચાવ કામગીરી:
અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને રસ્તેથી પસાર થતા લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જોખમ ખેડીને અને ઘણી જહેમત બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા ચાલકને ટ્રેલરના કેબિનમાંથી બહાર કાઢ્યો હતો અને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ ઘાયલ ચાલકની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ અને ફાયર બ્રિગેડની કાર્યવાહી:
ઘટનાની જાણ થતા જ અકલતરા પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. દમકલ વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનાને કારણે અકલતરા-બલૌદા માર્ગ પરનો વાહનવ્યવહાર લાંબા સમય સુધી પ્રભાવિત થયો હતો. પોલીસે મૃતક ચાલકના મૃદદેહને કાટમાળમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
તપાસના ચક્રો ગતિમાન:
અકલતરા પોલીસ સ્ટેશનના પ્રભારી ભાસ્કર શર્માએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ વાહનોની તેજ ગતિ હોવાનું જણાઈ રહ્યું છે. અત્યારે મૃતક અને ઘાયલ ચાલકની ઓળખ કરવાની તજવીજ ચાલી રહી છે. પોલીસ આ મામલે કેસ નોંધીને અકસ્માતના વાસ્તવિક કારણોની ઊંડી તપાસ કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
