<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

ફરિસ્તો બનીને આવી કંચનબાઈ: આંગણવાડીના ૨૫ બાળકોને મધમાખીઓના કાતિલ હુમલામાંથી બચાવવા પોતાનું બલિદાન આપ્યું

મધ્ય પ્રદેશના નીમચમાં આંગણવાડી સહાયિકાનું અદભુત સાહસ; બાળકોને બચાવવા મધમાખીઓના ઝુંડ સામે રક્ષક બનીને ઉભા રહ્યા - સેંકડો ડંખ ખાધા છતાં હિંમત ન હારી, ૨૫ માસૂમોના જીવ બચાવી પોતે દુનિયાને અલવિદા કહી

નીમચ: મધ્ય પ્રદેશના નીમચ જિલ્લાના રાનપુર ગામમાં આજે દરેક આંખ ભીની છે અને દરેક જીભ પર માત્ર એક જ નામ છે - કંચનબાઈ. ૨ ફેબ્રુઆરીની એ ગોઝારી બપોરે જ્યારે મોત આંગણવાડીના માસૂમ બાળકો પર ત્રાટક્યું હતું, ત્યારે ૫૫ વર્ષીય આંગણવાડી સહાયિકા કંચનબાઈએ પોતાનો જીવ જોખમમાં મૂકીને ૨૫ બાળકો માટે 'ઢાલ' બની ગયા હતા. મધમાખીઓના હુમલામાં બાળકોને બચાવતા કંચનબાઈનું કરુણ મોત નીપજ્યું છે, પરંતુ તેમના આ સર્વોચ્ચ બલિદાનને કારણે આજે ૨૫ ઘરોના ચિરાગ ઓલવાતા બચી ગયા છે.

ઘટનાની વિગતો મુજબ, બપોરે અંદાજે સાડા ત્રણ વાગ્યાના સુમારે આંગણવાડી પરિસરમાં બાળકો રમી રહ્યા હતા ત્યારે અચાનક મધમાખીઓનું વિશાળ ઝુંડ ત્યાં તૂટી પડ્યું હતું. શાંત વાતાવરણ ચીસ અને પોકારમાં ફેરવાઈ ગયું. બાળકો ગભરાઈને આમ-તેમ ભાગવા લાગ્યા અને મધમાખીઓ તેમની પાછળ પડી હતી. આ દ્રશ્ય જોઈને શિક્ષિકા ગુણસાગર જૈન અને કંચનબાઈ સ્તબ્ધ થઈ ગયા, પરંતુ કંચનબાઈએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બાળકોને બચાવવા માટે દોટ મૂકી હતી.

કંચનબાઈએ બાળકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાનું શરૂ કર્યું. તેમણે મધમાખીઓને પોતાની તરફ આકર્ષવા અને બાળકોને બચાવવા માટે ભારે સંઘર્ષ કર્યો. આ દરમિયાન હજારો મધમાખીઓએ કંચનબાઈના શરીર પર હુમલો કર્યો અને સેંકડો ડંખ માર્યા. અસહ્ય વેદના છતાં કંચનબાઈ ત્યાં સુધી ખસ્યા નહીં જ્યાં સુધી છેલ્લું બાળક સુરક્ષિત ન થયું. ગ્રામીણોના જણાવ્યા અનુસાર, જો તે દિવસે કંચનબાઈએ આટલી હિંમત અને ચપળતા ન દાખવી હોત, તો અનેક બાળકોના મોત નિશ્ચિત હતા.

ગંભીર હાલતમાં કંચનબાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ મધમાખીઓના ઝેરની અસર એટલી ગંભીર હતી કે ડૉક્ટરો તેમને બચાવી શક્યા નહીં. રાનપુર ગામ આજે આ સાહસિક મહિલાના બલિદાનને નમન કરી રહ્યું છે. કંચનબાઈની કહાણી માત્ર એક આંગણવાડી કાર્યકરની ફરજની વાત નથી, પરંતુ એક માનવીય સંવેદના અને માતૃત્વની પરાકાષ્ઠા છે, જેમણે બીજાના બાળકો માટે પોતાનો પરિવાર અને જીવ કુરબાન કરી દીધો. સરકાર દ્વારા હવે તેમના પરિવારને સહાય અને કંચનબાઈને મરણોત્તર સન્માન આપવાની માંગ ઉઠી રહી છે.

(12:15 PM IST)