<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

બિગ બીના દિલમાં દબાયેલું વર્ષો જૂનું દર્દ છલકાયું: જ્યારે વિદેશીઓએ અમિતાભને "ત્રીજા દરજ્જાના અભિનેતા" કહી અપમાનિત કર્યા હતા

ભારતની અંડર-19 ટીમની વર્લ્ડ કપ જીત બાદ અમિતાભ બચ્ચને વિદેશીઓની સંકુચિત વિચારધારા પર કર્યો વળતો પ્રહાર; ભૂતકાળમાં એરપોર્ટ પર થયેલા કડવા અનુભવને બ્લોગ દ્વારા શેર કરી દુનિયાને બતાવ્યો ભારતનો અસલી પાવર - "અમે નંબર 1 છીએ, હવે કોઈ અમને ત્રીજા દરજ્જાના કહી શકશે નહીં"

મુંબઈ: સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર જેટલા સક્રિય છે, તેટલા જ તેઓ દેશાભિમાન માટે પણ જાણીતા છે. તાજેતરમાં ભારતની અંડર-19 ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને હરાવીને વિશ્વ વિજેતાનો તાજ પહેર્યો, ત્યારે બિગ બીએ કરેલી એક ટિપ્પણીએ ચર્ચા જગાવી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, "અમે હવે ત્રીજા દરજ્જાના નથી, અમે વિશ્વમાં પ્રથમ છીએ." આ વિધાન પાછળ છુપાયેલું વર્ષો જૂનું અપમાન અને વિદેશીઓની ભારત પ્રત્યેની નકારાત્મક દ્રષ્ટિ વિશેનો ખુલાસો અમિતાભે તેમના તાજેતરના બ્લોગમાં કર્યો છે, જે સાંભળીને કોઈપણ ભારતીયનું લોહી ઉકળી ઉઠે.

અમિતાભે તેમના બ્લોગમાં એક જૂના કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે જ્યારે તેમને વિદેશમાં એક ફિલ્મ ફેસ્ટિવલમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. વિમાનમાં સફર દરમિયાન તેમણે સ્થાનિક અખબારમાં જોયું કે લોકો ભારતીય ફિલ્મોના દિવાના હતા. એરપોર્ટ પર ઉતર્યા બાદ ભીડ એટલી વધી ગઈ હતી કે પોલીસ રક્ષણ હેઠળ તેમને હોટલ લઈ જવા પડ્યા હતા. પરિસ્થિતિ એવી હતી કે અમિતાભનું ઇમિગ્રેશન પણ એરપોર્ટને બદલે હોટલમાં જ કરવામાં આવ્યું હતું. એક તરફ આટલી લોકપ્રિયતા હતી, તો બીજી તરફ તે દેશના એક વરિષ્ઠ પત્રકારે અમિતાભ વિશે અત્યંત વાંધાજનક લેખ લખ્યો હતો.

તે પત્રકારે અખબારમાં લખ્યું હતું કે, "આ ત્રીજી દુનિયાના દેશના ત્રીજા દરજ્જાના અભિનેતા પર આટલું ધ્યાન કેમ આપવામાં આવી રહ્યું છે?" પત્રકારની આ ટિપ્પણીએ અમિતાભના હૃદયને ઊંડો આઘાત પહોંચાડ્યો હતો. બ્લોગમાં બિગ બીએ લખ્યું છે કે, "હું કદાચ મારા માટે 'ત્રીજા દરજ્જાનો અભિનેતા' શબ્દ સ્વીકારી શકું, પરંતુ મારા દેશને કોઈ 'ત્રીજા દરજ્જાનો દેશ' કહે તે મને બિલકુલ મંજૂર નથી." આ અપમાનનો બદલો લેવા માટે જ તેમણે અંડર-19 જીત બાદ ગર્વથી ભારતને વિશ્વમાં સર્વોપરી ગણાવ્યું હતું.

અમિતાભ બચ્ચનની આ પોસ્ટનો હેતુ કોઈને નીચા બતાવવાનો નહીં, પરંતુ દુનિયાને એ જણાવવાનો હતો કે આજનું ભારત બદલાઈ ચૂક્યું છે. ભલે તે રમતગમત હોય કે સિનેમા, ભારત હવે દરેક ક્ષેત્રમાં "નંબર 1" ના સ્થાને બિરાજમાન છે. તેમની આ વાત ચાહકોના દિલને સ્પર્શી ગઈ છે. બિગ બીએ સ્પષ્ટ કર્યું કે ભારતની સફળતા જ એવા ટીકાકારોને યોગ્ય જવાબ છે જેઓ આજે પણ ભારતને જૂની અને સંકુચિત દ્રષ્ટિથી જુએ છે. અમિતાભનો આ સંદેશ માત્ર ક્રિકેટની જીત માટે નહીં, પણ દેશના ગૌરવ માટેની એક ગર્જના સમાન છે.

(12:43 PM IST)