<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

ગાઝિયાબાદની ત્રણ બહેનોના આપઘાત કેસમાં ચોંકાવનારો વળાંક: પિતાએ બે નહીં પણ ત્રણ લગ્ન કર્યા હોવાનો પોલીસ તપાસમાં પર્દાફાશ

ચેતન કુમારે ૧૬ વર્ષમાં ત્રણ પત્નીઓ સાથે રચ્યા હતા લગ્ન અને પોલીસને કરી ગેરમાર્ગે; કોરિયન સંસ્કૃતિનું વળગણ અને મોબાઈલ છીનવાતા ત્રણેય દીકરીઓએ મોતને વહાલું કર્યું - ત્રીજી પત્ની ટીના બાળકોને ભણાવવા માંગતી હતી, જ્યારે સગી બહેનો એવી સુજાતા-હિના શોકમાં ડૂબી

ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ત્રણ સગી બહેનો નિશિકા, પ્રાચી અને પાખીના સામુહિક આત્મહત્યા કેસમાં દરરોજ નવા અને ભયાનક ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં હવે એવો સનસનાટીભર્યો ખુલાસો થયો છે કે છોકરીઓના પિતા ચેતન કુમારે અત્યાર સુધીમાં બે નહીં પણ ત્રણ લગ્ન કર્યા હતા. ચેતને પોલીસ સમક્ષ માત્ર બે લગ્ન કર્યા હોવાની વાત કરી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તપાસ દરમિયાન ત્રણ અલગ-અલગ લગ્ન પ્રમાણપત્રો કબજે કર્યા છે. આ મામલામાં ત્રીજી પત્ની ટીના અને દીકરીઓના કોરિયન સંસ્કૃતિ (K-Pop) પ્રત્યેના અતિશય આકર્ષણે સમગ્ર પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે.

પોલીસ ડાયરી મુજબ, ચેતને વર્ષ ૨૦૧૦માં સુજાતા સાથે પ્રથમ લગ્ન કર્યા હતા, ત્યારબાદ ૨૦૧૩માં તેની જ સગી બહેન હિના સાથે બીજા લગ્ન કર્યા. વર્ષ ૨૦૨૧માં તેણે સીલમપુરની રહેવાસી ટીના સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે પ્રથમ બે પત્નીઓ અશિક્ષિત હોવાથી દીકરીઓના અભ્યાસ પર ધ્યાન આપતી નહોતી, પરંતુ ત્રીજી પત્ની ટીના તેમને શિક્ષિત કરવા માંગતી હતી. ટીનાએ જ ચેતનને દીકરીઓના મોબાઈલના વળગણ અને 'કોરિયન કલ્ચર' વિશે ચેતવ્યા હતા, જેના પગલે એક મહિના પહેલા જ ચેતને ત્રણેય દીકરીઓના મોબાઈલ જપ્ત કરી તેમને ટ્યુશનમાં મૂકી દીધી હતી.

આ કેસનો સૌથી કરુણ પાસું એ છે કે ત્રણેય દીકરીઓ માનસિક રીતે પોતાને કોરિયન માનવા લાગી હતી. જ્યારે ટ્યુશન ટીચરે ફરિયાદ કરી કે છોકરીઓ અભ્યાસમાં ધ્યાન આપવાને બદલે હજુ પણ પોતાને કોરિયન તરીકે જ ઓળખાવે છે, ત્યારે ઘરમાં ટીના અને ચેતને તેમને સખત ઠપકો આપ્યો હતો. આ સતત ઠપકા અને મોબાઈલ છીનવાઈ જવાથી આઘાતમાં આવેલી ત્રણેય બહેનોએ અંતિમ પગલું ભરી લીધું. પોલીસ જ્યારે પૂછપરછ માટે ઘરે પહોંચી ત્યારે પ્રથમ બે પત્નીઓ સુજાતા અને હિના વારંવાર બેભાન થઈ જતી હતી અને "કોરિયને મારી દીકરીઓને મારી નાખી" તેવું રટણ કરતી જોવા મળી હતી.

હાલમાં ગાઝિયાબાદ પોલીસ આ મામલે ચેતન અને તેની ત્રીજી પત્ની ટીનાની સઘન પૂછપરછ કરી રહી છે. પિતા દ્વારા લગ્નની વિગતો છુપાવવા પાછળનો હેતુ અને પરિવારમાં ચાલતા આંતરિક ક્લેશની પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. મનોવૈજ્ઞાનિકો આ ઘટનાને સોશિયલ મીડિયા અને વિદેશી સંસ્કૃતિના અતિશય પ્રભાવને કારણે કિશોરોમાં આવતા માનસિક પરિવર્તનના ભયાનક ઉદાહરણ તરીકે જોઈ રહ્યા છે. આ ઘટનાએ સોશિયલ મીડિયાના યુગમાં વાલીઓ માટે પોતાના બાળકોની ગતિવિધિઓ પર નજર રાખવી કેટલી જરૂરી છે તે બાબત પર લાલબત્તી ધરી છે.

(12:44 PM IST)