<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

સોના-ચાંદીના ભાવમાં ભડકો: આંતરરાષ્ટ્રીય બજારની અસરથી 24 કેરેટ સોનું રૂ.1.56 લાખને પાર, ચાંદી પણ ઐતિહાસિક સપાટીએ

વૈશ્વિક બજારમાં ડોલરના નબળા પડવા અને વધતી માંગને કારણે કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચ્યા; દિલ્હીથી લઈને અમદાવાદ સુધી રોકાણકારોમાં ભારે ઉત્તેજના - જાન્યુઆરીમાં રેકોર્ડ તોડ્યા બાદ ફેબ્રુઆરીમાં પણ સોનાની તેજી યથાવત અને ચાંદી પ્રતિ કિલો રૂ.2.85 લાખ પર સ્થિર

રાજકોટ: કિંમતી ધાતુઓના બજારમાં હાલમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે 8 ફેબ્રુઆરીએ દેશના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવતા મધ્યમ વર્ગ અને રોકાણકારો ચોંકી ઉઠ્યા છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ.1,56,750 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે, જે અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ પૈકીનો એક છે. આ તેજી પાછળ નબળો યુએસ ડોલર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી જતી સેફ-હેવન ઇન્વેસ્ટમેન્ટની માંગ જવાબદાર હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

ચાંદીના ભાવની વાત કરીએ તો, જાન્યુઆરીના અંતમાં તે તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા બાદ અત્યારે પણ મજબૂત સ્થિતિમાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી પ્રતિ ઔંસ $120 ની આસપાસ ટ્રેડ થઈ રહી હતી, જેની સીધી અસર ભારતીય બજારોમાં જોવા મળી રહી છે. દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં આજે 1 કિલો ચાંદીનો ભાવ રૂ.2,85,000 નોંધાયો છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ભાવમાં મામૂલી ઘટાડો થયો હતો, પરંતુ માંગ યથાવત રહેતા કિંમતો ફરીથી સ્થિર થઈ છે.
સ્થાનિક બજારના આંકડા મુજબ, અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,56,650 અને 22 કેરેટનો ભાવ રૂ.1,43,600 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. જ્વેલરી બનાવવા માટે વપરાતા 18 કેરેટ સોનાનો ભાવ પણ રૂ.1,17,500 સુધી પહોંચી ગયો છે. સૌથી મોંઘું સોનું અત્યારે ચેન્નાઈમાં જોવા મળી રહ્યું છે, જ્યાં 24 કેરેટનો ભાવ રૂ.1,57,310 પર પહોંચ્યો છે. લગ્નની મોસમ શરૂ થતાની સાથે જ ભાવમાં આવેલો આ તોતિંગ વધારો ગ્રાહકોરૂ.ના ખિસ્સા પર સીધી અસર કરી રહ્યો છે.
બજારના વિશ્લેષકોના મતે, આગામી દિવસોમાં પણ ભાવમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે. મજબૂત રોકાણ માંગને કારણે સોનું સતત પોતાની ચમક જાળવી રાખશે. જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ અથવા ઘરેણાં ખરીદવાની યોજના હોય, તો દરરોજ બદલાતા ભાવ પર નજર રાખવી અત્યંત જરૂરી છે. મુંબઈ, કોલકાતા અને લખનૌ જેવા શહેરોમાં પણ ભાવ લગભગ સમાન સપાટીએ જળવાઈ રહ્યા છે, જે સમગ્ર દેશમાં એકસમાન તેજીનો સંકેત આપે છે.

(12:52 PM IST)